

અમદાવાદ : ગુજરાતમાં આગામી 26મી માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી રાજ્યસભાની ખાલી 4 બેઠકો પર યોજાઈ રહી છે. ભાજપે આ ચૂંટણી માટે 3 તો કોંગ્રેસ પટેલે 2 ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ-કોંગ્રેસ સંખ્યાબળની દૃષ્ટીએ 2-2 બેઠકો જીતી શકે તેમ છે ત્યારે ભાજપે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. રાજ્યના જાણીતા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના મતે આ ચૂંટણીમાં કોંગ્રેસ એક જ બેઠક જીતી શકે એમ છે જ્યારે ભાજપ ત્રણેય બેઠક પર ચૂંટણી જીતશે. દેસાઈના મતે જ્યારથી ભાજપે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી કોંગ્રેસની બીજી બેઠક પરની હાર નક્કી થઈ ગઈ છે. રાજકીય સ્થિતિ મુજબ કોંગ્રેસને અસંતુષ્ઠ ધારાસભ્યોનો સામનો કરવો પડી શકે એમ છે. (ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની ફાઇલ તસવીર)


આ ચૂંટણી પહેલાં લીંબડી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે રાજીનામું ધરી દીધુ હોવાની ચર્ચા છે ત્યારે ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામું આપશે તેવી શક્યતા છે.


આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના અન્ય સંભવિત ધારાસભ્યો ભાજપમાં જઈ શકે છે અથવા તો ક્રોસ વોટિંગ કરી શકે છે. હરિ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસના પાંચેક ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. મારી પાસે એમના નામ છે. કોંગ્રેસે પટેલે ઉમેદવાર મૂકવાની માંગણી નકારી એ બહાનું મળ્યું છે. સત્તાની સાથે જોડાવાની તક મળી એટલા માટે ધારાસભ્યો સોદા કરી રહ્યા છે.


કોંગ્રેસના અસંતુષ્ઠ ધારાસભ્યોની લીગમાં લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમ્મર, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રભાત દૂધાત, રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર જોડાઈ શકે છે.