

હરીન માત્રાવાડિયા, રાજકોટ : શહેરનાં વોર્ડ નં. 2 એટલે કે બજરંગવાડી (Rajkot Bajranwadi Area) વિસ્તારમાં સિમેન્ટના સ્પીડ બ્રેકર (Speed Breaker) હટાવવા મુદ્દે ત્યાંના રહેવાસીઓ અને મનપાના કર્મચારી (RMC Staff) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ કર્મચારીને માર મારવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા મનપાના વર્ક આસિસ્ટન્ટ ચેતન ચિત્રોડા પર હુમલો કરવામાં આવતા તેઓને બેભાન હાલતમાં હૉસ્પિટલ (Hospital)માં સારવાર હેઠળ ખસેડાવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મનપાના અધિકારીઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની જાણકારી મેળવી પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.


શહેરના વોર્ડ નં. 2 બજરંગવાડી શેરી નં. 9 ખાતે ગેરકાયદેસર રીતે બનેલા સિમેન્ટના સ્પીડ બ્રેકર દૂર કરી ડામરના મંજૂર થયેલા સ્પીડ બ્રેકર બનાવવાના કામ અનુંસનાધાને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવાવતા ચેતન ચિત્રોડા સાથે સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કરી માર માર્યો હતો. કર્મચારીને વધુ માર લાગતા તેને બાજુની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓનો સ્ટાફ હૉસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બનાવની ગંભીરતા જોઈ પોલીસ ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.