PM મોદી શુક્રવારે અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે, કેશુભાઈના પરિવારને સાંત્વના પાઠવશે
પીએમ મોદીએ કહ્યું - મારા જેવા અનેક કાર્યકર્તાઓનું કેશુભાઈએ માર્ગદર્શન કરી ઘડતર કર્યું. તેમના મિલનસાર સ્વભાવને કારણે ખુબ લોકપ્રિય હતા. તેમની વિદાયથી ભારે ખોટ પડી છે


અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલ (Keshubhai Patel)નું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. પ્રધાનમંત્રી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે. જ્યાં કેશુભાઈના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવશે. PM મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા હોવાથી અમદાવાદમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


પીએમ મોદીએ કેશુભાઈ પટેલના નિધન પર કહ્યું છે કે અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે. હું ખૂબ દુ:ખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉતમ નેતા હતા. તેઓનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું. કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો. તેમણે કટોકટીનો પુરી હિંમત અને મક્કમતાથી પ્રતિકાર કર્યો. ખેડૂતોનું હિત તેમના હૈયે વસેલું હતું.


પીએમે કહ્યું હતું કે તેઓ ધારાસભ્ય, સાંસદ, મંત્રી કે મુખ્યમંત્રી, કોઈ પણ પદ પર હોય, હંમેશા ધ્યાન રાખ્યું કે ખેડૂતલક્ષી નિર્ણય થાય. મારા જેવા અનેક કાર્યકર્તાઓનું કેશુભાઈએ માર્ગદર્શન કરી ઘડતર કર્યું. તેમના મિલનસાર સ્વભાવને કારણે ખુબ લોકપ્રિય હતા. તેમની વિદાયથી ભારે ખોટ પડી છે. એમના અવસાનથી આપણે સૌ ભારે ગ્લાની અનુભવીએ છીએ. તેમના પરિવારજનો અને હિતેચ્છુઓ પ્રતિ મારી સંવેદના. તેમના દીકરા ભરતભાઈ સાથે વાત કરી અને દિલસોજી વ્યક્ત કરી. ઓમ શાંતિ.