અશરફ ખાન જત, પાટણ: ગુજરાત (Gujarat News) રાજ્ય દિવસેને દિવસે વિકાસ તેમજ નવા સંશોધનમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં નવા નવા સંશોધનો કરવામાં વેગ પકડ્યું છે. ત્યારે પાટણ યુનિવર્સિટીમાં (Patan University) બાયો પ્લાસ્ટિક (Bio plastic) બનાવવાનું નવું સાહસ કરાઈ રહ્યું છે. વાત કરીએ તો વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે. અત્યારે વરસે દહાડે એક લાખ ૫૦ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં જે વધીને ૭૬૧ મેટ્રીક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશીષ પટેલને (Dr. Ashish Patel) રૂપિયા ૪૭ લાખનો રીસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી પર્યાવરણનું જતન અને તેની જાળવણી થશે.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ ખાતે ડો. આશીષ પટેલ અને તેમની રિસર્ચ ટીમ તેમની લેબોરેટરીમાં પર્યાવરણની જાળવણી માટે બટાટાના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટીક બનાવવાનું રીસર્ચ કરવામાં આવી રહ્યું છે. બટાટાના સ્ટાર્ચમાંથી બનાવેલ બાયો પ્લાસ્ટીક માત્ર એક જ અઠવાડીયામાં નાશ પામે છે. જોકે હાલમાં વપરાતા સાદા પ્લાસ્ટીકને કુદરતી રીતે નાશ પામવામાં ૪૦૦ વર્ષનો સમય લાગે છે. જેને કારણે આજે પર્યાવરણને નુકશાન થઇ રહયુ છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે પાટણ યુનિવર્સિટીની રિસર્ચ લેબોરેટરીમાં ઇતિહાસમાં પ્રથમવાર બાયો પ્લાસ્ટીક બનાવવાનું સંશોધન કરવામાં આવી રહયું છે. પર્યાવરણ અને તેના જતનના નુકશાનને અટકાવવા બટાકાના સ્ટાર્ચમાંથી ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટીક બનાવવામાં આવશે .
સમગ્ર ભારતમાં બટાકાનું હબ ગણાતા ડીસામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.જેને કારણે ખેડૂતોને પુરતા ભાવ પણ મળતા નથી. ત્યારે જો બટાકાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને તેના પુરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે. બાયો પ્લાસ્ટીક માત્ર એક જ અઠવાડીયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામતુ હોવાથી માનવજીવન અને પર્યાવરણ પર તેની કોઇ આડ અસર થતી નથી. તેવું રીસર્ચ લેબોરેટરીના ડો.આશીષ પટેલે જણાવ્યું છે. નોંધનીય છે કે, પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને મળેલા ૪૭ લાખ રુપિયાના પ્રોજેકટમાં યુનિવર્સિટીના લોગાવાળી પ્રથમ પ્લાસ્ટીકની બેગ બનાવવામાં આવશે.
આ અંગે યુનિ.ના આશિષ પટેલે જણાવ્યું હતુ કે, હાલના સમયમાં પ્લાસ્ટિકની માંગ ખુબ જ ઝડપથી વધી રહી છે. જે પર્યાવરણ માટે અને સમગ્ર માનવજાત માટે ખૂબ જ નુકશાનકારક છે. દુનિયામાં અત્યારે ૧૫૦ મેટ્રિક ટન એટલે કે અંદાજે ૧,૫૦,૦૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિક એક વર્ષમાં નીકળે છે. જે વધીને ૨૦૫૦ સુધીમાં ૭૬૧ મેટ્રિક થવાનો અંદાજ છે. જેના માટે થઇને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ( જી.એસ.બી.ટી.એમ. ) દ્વારા મને રૂ. ૪૭ લાખ નો રીસર્ચ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે.
જે અત્યાર સુધીમાં યુનિવર્સિટીને મળેલા રીસર્ચ પ્રોજેક્ટમાં સૌથી મોટો છે . ભારતમાં ડીસામાં બટેટાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. જેના લીધે ઘણીવાર ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. તો આ બટેટાના સ્ટાર્ચમાંથી જો પ્લાસ્ટિક બનાવામાં આવે તો તેમને પૂરતા ભાવ પણ મળે અને પર્યાવરણને પણ બચાવી શકાય. આ બાયો પ્લાસ્ટિક એક જ અઠવાડિયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામે છે અને તેની પર્યાવરણ તેમજ માનવો ઉપર કોઈ આડઅસર થતી નથી.
તેમના જણાવ્યા પ્રમાણે, હાલમાં બાયો પ્લાસ્ટિકનો કાચો માલ આપણે ચીનથી આયાત કરીએ છીએ . જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો આવનારા સમયમાં આપણે ભારતની અંદરજ બાયો પ્લાસ્ટિકના કાચા માલનું નિર્માણ કરી શકશું અને સ્વચ્છ ભારત તરફ મોટું પગલું ભરી શકશું. યુનિવર્સિટીમાં બટાકામાંથી બાયો પ્લાસ્ટિક બનાવવા નું સંશોધન કરી રહેલા લાઇફ સાયન્સની ટીમ દ્વારા હાલમાં બટાકામાંથી બેઝિક બાયો પ્લાસ્ટિક બનાવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે હવે સરકારને મળેલા પ્રોજેક્ટમાંથી આગામી ત્રણ વર્ષમાં બાયો પ્લાસ્ટિકના અલગ અલગ બનાવવા માટે સંશોધન કરી બાયો પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવવાની કામગીરી હાથ ધરશે. જો પ્રોજેક્ટને સફળતા મળશે તો ભવિષ્યમાં જે પ્લાસ્ટિકની સમસ્યા ઊભી થઈ છે તેમાંથી લોકોને મુક્તિ મળશે અને પર્યાવરણનું જતન પણ થઈ શકશે .
લાઈફ સાયન્સ વિભાના પ્રોફેસર, ડો. આશિષ પટેલે જણાવ્યુ છે કે, આ રીતે રિસર્ચ લેબમાં બાયો પ્લાસ્ટિક બનાવવામાં આવશે. 1 - બટાકા બફરની અંદર રાખી ક્રશ કરવામાં આવશે. 2- બટાકાના ક્રશમાંથી સ્ટાર્ચ કાઢવામાં આવશે. 3- બટાકાના કાઢેલ સ્ટાર્ચમાં ગિસરોલ, સ્ટોરબીટલ જેવા અન્ય પ્રદાર્થ મિક્ષ થશે. 4 - સ્ટાર્ચમાં મિક્ષ થયેલા પ્રદાર્થ માંથી બાયો પ્લાસ્ટિક તૈયાર થશે. 5-બાયો પ્લાસ્ટિક તૈયાર થતા તેમાંથી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ગ્રેડની સાઈઝની વસ્તુઓ બનાવી શકાશે.