

મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા : નવરાત્રીના (Navratri) તહેવાર બાદ આસો સુદ પૂર્ણિમા એટલેકે શરદપૂર્ણિમાનું (Sharad Poornima) વિશેષ મહત્વ છે. જેને લઈ ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે પ્રસિદ્ધ તિર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને કારણે યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. આમતો દિવાળી પહેલા વર્ષની છેલ્લી પૂનમ આવતી હોવાથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. એટલુંજ નહીં, શરદપૂર્ણિમાની રાતે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું છે.


અંબાજી મંદિરમાં ચંદ્રના કિરણોમાં ચાંદીના પાત્રમાં દૂધપૌંઆ મૂકીને માતાજીને ધરવામાં આવ્યા હતા. જે બાદ માતાજીને રાત્રીના 12 કલાકે કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે શરદપૂર્ણિમાના ચંદ્રના કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તે આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે. જોકે, આ વખતે કોરોનાની મહામારીની અસર શરદપૂર્ણિમા ઉપર જોવા મળી હતી. જ્યાં કોઈપણ શ્રદ્ધાળુઓને રાત્રી કપૂર આરતીમાં પ્રવેશ અપાયો ન હતો.


જ્યાં 300 લીટર જેટલો દૂધપૌંઆનો પ્રસાદ અંબાજી મંદિરમાં બનતો હોય છે ત્યાં આ વખતે માત્ર નૈવેદ જેટલા જ દૂધપૌઆ ધરાવાયા હતા.