કિશોર તુવર, બનાસકાંઠા: ત્રિપલ તલાક (triple talaq) મામલે કેન્દ્ર સરકારે નવા બનાવેલા કાયદા બાદ પાલનપુર (Palanpur) પશ્ચિમ પોલીસ મથકે એક મુસ્લિમ મહિલાએ પતિ દ્વારા અપાયેલા ત્રિપલ તલાકને લઈને ફરિયાદ નોંધાવી હતી. જે મામલો પાલનપુર કોર્ટમાં ચાલી જતા આરોપી પતિને કોર્ટે એક વર્ષની કેદ તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ટ્રિપલ તલાક વિરોધી કાયદો બન્યા બાદ ગુજરાતમાં (triple talaq sentenced first case in Gujarat) પ્રથમ સજાનો કિસ્સો છે.
ગુજરાતમાં ટ્રિપલ તલાકના કેસમાં આરોપીને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે. ટ્રિપલ તલાકના કાયદા સાથે પતિ સામે કોર્ટમાં કેસ કરીને જીતનાર પત્નીને ત્રણ વર્ષે ન્યાય મળતા પીડિત પત્નીએ ટ્રિપલ તલાકનો કાયદો ઘડનાર મોદી સરકારનો આભાર માન્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે, જો કાયદો ન હોત તો મારી હાલત ખરાબ થઈ જાત. મારા જેવી અનેક છોકરીઓ છે જે હજી પણ પીડિત છે, તેઓને ન્યાય મળવો જોઈએ.