આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં પાલનપુર-આબુરોડ નેશનલ હાઈ વે (Palanpur Aburoad National highway) પર આજે વહેલી સવારે ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે કાર સહિત ચાલક દબાઈ જતા પાલનપુર (Palanpur Police) તાલુકા પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ચાલકને જીવતો બહાર કાઢ્યો હતો.
પાલનપુર-આબુરોડ નેશનલ હાઈ વે પર આજે વહેલી સવારે અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી કાર પણ અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે દબાઇ જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારનો ચાલક પણ ટ્રકની નીચે કાર સાથે દબાઇ ગયો હતો. જોકે, ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, કાર ચાલક અમદાવાનો છે. તેમનું નામ રાહુલ મનુભાઈ વાઘ છે.
અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. તે બાદ તેમણે આ અકસ્માતની જાણ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. કાર ચાલક ગંભીર રીતે કારમાં ફસાઇ ગયો હતો. જેથી તેને ક્રેનની મદદથી અનાજની બોરીઓ નીચે દબાઇ ગયેલા કારચાલકને મહામુસીબતે જીવતો બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાબડતોબ રાહત કામગીરી કરતા યુવકનો જીવ બચ્યો હતો .
નોંધનીય છે કે, બે દિવસ પહેલા ધાનેરા-થરાદ હાઇવે ઉપર સરાલ પાટિયા પાસે શનિવારે મોડી રાત્રે જીપડાલા ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડ રોડ ઉપર ચડતાં સામેથી આવતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જીપડાલા ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો. શનિવારની રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપરથી જીપડાલા ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડે રોડ ઉપર બહાર નિકળ્યો હતો. ત્યારે થરાદ તરફથી ધાનેરા તરફ આવતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા થરાદ તાલુકાના સિધોતરા ગામના કંકુબેન હેંગોળાભાઇ ઠાકોર (ઉં.વ.58)નું મોત નિપજ્યું હતું.