કેતન પટેલ, મહેસાણા: દિવસેને દિવસે સંયુક્ત કુટુંબની (family) ભાવના ઓછી થતી જાય છે, દિવસે દિવસે ભાઈચારો ઓછો થઈ રહ્યો છે ત્યારે મહેસાણાના (Mahesana) બહુચરાજીનું (Bahuchraji) એક ગામ જ્યાં આજે તમામ લોકો માટે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, એવું પણ બની શકે જ્યાં આખું ગામ (vllagers lunch and dinner at one place) એક રસોડે જમી શકે ? હાલ ના આ સંકુચિત અને આધુનિક યુગમાં આખું ગામ તો શું પણ બે ભાઈઓ કે પોતાના માતા પિતા સાથે જમવાનું તો શું પણ સાથે રહેવાનું પણ પસંદ નથી કરતા . ત્યારે ન્યૂઝ18ગુજરાતીની ટીમે એવા ગામની મુલાકાત લીધી જ્યાં ગામના તમામ વૃદ્ધ બે ટાઈમ એક જ રસોડે જમે છે.
આ ગામની અન્ય વિશેષતા એ પણ છે કે, આઝાદીથી આજ દિન સુધી સ્થાનિક સરપંચની ચૂંટણી પણ યોજાઈ નથી. સમરસ ગ્રામ પંચાયત રહી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીનું આ છે નાનું એવું ગામ ચાંદણકી જ્યાં ગામલોકો રોજ એક જ રસોડે જમે છે. આ ગામમાં આજે પણ એકતા અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ગામના મોટા ભાગના વૃદ્ધ હાલ એકજ રસોડે જમે છે.
વાત એમ છે કે, આ ગામનું યુવાધન મોટેભાગે અમદાવાદ, સુરત, નવસારી કે પછી વિદેશમાં સ્થાઈ થયું છે. યુવાધન તો ત્યાં વેલસેટ થઈ ગયું પણ તેમના માતા પિતા માટે શહેરી વાતાવરણ અનુકૂળ નહોતું એટલે તે પોતાના વતન એટલે કે ગામડે જ રહેવાનું પસંદ કરે છે. અહીં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી પડે તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે.
ગામનાં સ્થાનિક શાંતિભાઈ પટેલનાં જણાવ્યાં પ્રમાણે, ગામના મોટાભાગના પરિવારો નોકરી-ધંધા અર્થે બહારગામ રહે છે. તેઓ જ્યારે વતનમાં એકાદ બે દિવસ માટે આવે ત્યારે જમવા માટે પાંચ કિમી દૂર બહુચરાજી જવું પડતું પરંતુ જમવાની વ્યવસ્થા શરૂ થતાં હવે તેમની ચિંતા રહેતી નથી. સવારે આઠ વાગે ફોન કરીને જણાવી દે, તેઓ આવે ત્યારે તેમના માટે ભોજન તૈયાર હોય ઉલ્લેખનીય છે કે, તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.
ગામનો સાક્ષરતા દર 100 ટકા છે. 900થી વધુ લોકો બહારગામ રહે છે. 90 અમેરિકામાં રહે છે, જેમાં 6 તબીબ અને 19 ઇજનેરનો સમાવેશ થાય છે અને નવાઈની વાત છે કે, આ ગામમાં અત્યાર સુધી કદી ચૂંટણી જ યોજાઈ નથી ત્યારે આના કરતાં બીજું એકતાનું ઉદાહરણ આપણને ક્યાં જોવા મળે? જમવામાં પણ બપોરે દાળ, ભાત, શાક, રોટલી, રોટલો અને છાસ તેમજ સાંજે શાક, ભાખરી, ખીચડી અને દૂધ હોય. એટલે કે સિનિયર સીટીઝન લોકો ને ભાવે તેવું ભોજન જમવાનું પીરસવામાં આવે છે.
ગામનાં સ્થાનિક બળવંદભાઈ પટેલનાં જણાવ્યાં પ્રમાણે, બરાબર 11 વાગે ઘંટનાદ થતાં વૃદ્ધો મકાનના દરવાજા બંધ કરી સ્કૂલ તરફ આવવા લાગે છે કે, જ્યાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે. થોડીવારમાં તો આ ગામના વસતી 1000 કરતા વધુ છે. પરંતુ ગામમાં માંડ 40થી 50 વૃદ્ધો રહે છે અને એમાં પણ જમવાનું પણ એમને મન ગમતું આપવામાં આવે છે. આગલા દિવસે તેઓ ને કહેવાનું હોય છે કે ,અમારે આ જમવું છે એટલે સવારે 11 કલાકે બસ જમવાનું તૈયાર અને જમતા જમતા મોમાં કોળિયો મૂકતા જાય અને એકબીજા સાથે સુખ દુ:ખની વાતો કરતા જાય. જાણે એક પરિવાર.
આ જ ગામવાસીઓનો રોજનો નિત્યક્રમ બની ગયો છે. ભાઈચારીની ભાવના જ્યારે પોતાના ઘરમાંથી જ લુપ્ત થતી જાય છે ત્યારે,કળિયુગમાં હાલના આ આધુનિક યુગમાં આ ગામ આખા વિશ્વ માટે પ્રેરણા રૂપ બની રહ્યું છે. આ ગામ સ્વચ્છતા, સમરસ ગામની સાથે પરિવાર ભાવના સાથે એક જૂથ થઈ અડીખમ રીતે ઉપસી આવ્યું છે. આથી આ ગામ તમામ માટે એક ઉત્તમ દાખલો બેસાડી રહ્યું છે.