કેતન પટેલ, મહેસાણા: મહેસાણાના ભેંસણા ગામના લોકો હાલમાં ભારે ચિંતિત બન્યા છે. ગામના શિક્ષક પુત્ર જયેશ પટેલની છેલ્લા સાત મહિનાથી જાપાનની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જયેશ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી જાપાનના ઓતાસી શહેરમાં રહે છે. તેમને ટ્યુબરકોલીસીસ(TB)ની સારવાર માટે સીબુકાવા મેડિકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા હતા. ટીબીમાં અનેક કોમ્પિલિકેશનના કારણે તેઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમને બ્રેઇન સ્ટ્રોક પણ આવતા તબિયત વધારે લથડી હતી. તેમની સારવારમાં પરિવાર આર્થિક રીતે તૂટી ગયો છે. હાલ જયેશ પટેલના પિતા હરીભાઇ પટેલ દીકરા સાથે જાપાનમાં છે.
ભેંસણા ગામમાં રહેતા જલ્પાબેનના જણાવ્યાં પ્રમાણે, મારા પતિ જયેશકુમાર છેલ્લા સાત મહિનાથી જાપાનની એક હૉસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સારી નથી. એટલે અમે તેમને અહીં લાવાવનાં બનતા પ્રયત્નો કરી રહ્યાં છે. સરકારશ્રીને અમારી એક જ અરજ છે કે, તેઓ પતિને ત્યાંથી અહીં લાવવામાં મદદ કરે અને અમને આર્થિક રીતે પણ અમારી સહાયિતા કરે.
જયેશભાઇ પટેલનાં ભાઇ સુધીરભાઇના જણાવ્યાં પ્રમાણે, જયેશભાઇ પટેલ જાપાન ખાતે ગયા હતા પરંતુ સહી સલામત પરત આવી શકતા નથી. નોકરી અર્થે ગયા બાદ 7 માસ પહેલા ટી.બીની અસર બાદ જયેશભાઈને બ્રેન સ્ટોક થયો હતો. હાલ તેઓ પથારીવશ છે. પરિવાર પાસે જે કાંઇપણ જમીન હતી તે વેચીને અમે તેમની ત્યાં સારવાર કરાવીએ છીએ. જયેશે જે કાંઇ ત્યાં સેવિંગ હતી તે પણ ખર્ચાઇ ગઇ છે. હવે આગળ કઇ રીતે તેમની ત્યાં સારવાર ચાલશે તે પણ પ્રશ્ન છે. તો સરકારશ્રીને અમારી અરજ છે કે. અમારા ભાઇને જાપાનથી અહીં લાવવા માટે મદદ કરે.
પરિવારનાં જણાવ્યાં પ્રમાણે, દીકરો જયેશ છેલ્લા સાત મહિનાથી હૉસ્પિટલના બિછાને જીવન જીવવા માટેનો જંગ લડી રહ્યો છે. તેમાં લગભગ અઢી ત્રણ મહિનાથી તો તેના મોઢામાં અન્નનો એક કોળિયો પણ જઇ શકયો નથી. તબીબો જયેશ માટે ખડે પગે મહેનત કરી રહ્યા છે પરંતુ જયેશ પાસે ઇન્સ્યોરન્સ નહીં હોવાથી સારવારનો ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે. જયેશની જે પણ કંઈ બચત હતી તે અત્યાર સુધીની સારવાર માટે ખર્ચાઈ ગઈ છે.
જયેશભાઇના પિતા હરીભાઇએ અમદાવાદના સાંસદ હસમુખ પટેલને આ અંગે પત્ર લખીને મદદ કરવા જણાવ્યું હતું. જે બાદ સાંસદ હસમુખભાઇએ જાપાનના કોન્સ્યુલેટ જનરલ સમક્ષ રજૂઆત પણ કરાવી. જાપાનથી જયેશ પટેલને પરત લાવવા માટે પટેલ પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પૂરી તથા સુબ્રમણ્યમ સ્વામીને પણ લેખિતમાં રજૂઆત કરી છે. (ફાઇલ તસવીર)
એર ઇન્ડિયા જયેશને તબીબી સારવાર સાથે ફ્લાઈટમાં ભારત લાવવા તૈયાર છે પરંતુ સ્થાનિક હૉસ્પિટલના ફીટનેસ સર્ટિફિકેટ હોય તો જ તે શક્ય બની શકે તેમ છે. જયેશભાઇને પ્રાઈવેટ જેટમાં ભારતમાં લાવવાનો અને તેની સારવાર કરાવવાનો ખર્ચો સવા કરોડથી વધી જાય તેવી સંભાવના હોવાનું હરિભાઇ પટેલ જણાવી રહ્યા છે. (ફાઇલ તસવીર)