ઈશાન પરમાર, હિંમતનગર : ગુજરાતમાં દિન-પ્રતિદિન મોંઘી ગાડીઓની ચોરીમા વધારો થઇ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસે આ મામલે એક સાથે 10 મોંઘીદાટ ગાડીઓ સહિત 78 લાખનો મુદ્દામાલ ઝડપી એક આરોપીની અટકાયત કરી છે. આરોપી ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મંગાવી બારોબાર વેચી મારવાનું અને ગીરવે મૂકવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. એસ.ઓ.જીએ ઓડી, ફોર્ચ્યુનર, ઇનોવા, અર્ટિગા સહિતની 10 લક્ઝુરીયસ કાર પણ કબ્જે લેવાઈ હતી.
હિંમતનગર, ડીવાયએસપી, મીનાક્ષી પટેલના જણાવ્યા પ્રમાણે, 10 જેટલી મોંઘીદાટ ગાડીઓ ધરાવનારા વાહન ચાલકોને કિલોમીટર દીઠ વધુ ભાવ આપવાનું નક્કી કરી છેતરપિંડી કરનારા યુવકની અટકાયત કરી છે. જેમાં હાલના તબક્કે ચાલી રહેલા ભાવ કરતાં વધુ ભાવ આપી મોંઘીદાટ ગાડીઓને બારોબાર વેચી મારી હોવાનું ખુલ્યુ છે. જોકે, સૌથી મહત્વની બાબત એ છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત અનુસાર વધુ પૈસા મેળવવાની લાયમાં હાલ પૂરતા 10 જેટલા વાહનચાલકોને પોતાની ગાડીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી છેતરપિંડી કરનારી ગેંગને મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સ્થાનિક જનતાને પણ અપીલ કરી છે કે, આ મામલે કોઈ અન્ય લોકો પણ છેતરાયા હોય તો સાબરકાંઠા જિલ્લા પોલીસનો કોન્ટેક્ટ કરે. હાલ સમગ્ર ગેંગ પૈકી એક વ્યક્તિની અટકાયત થઈ છે. તેમજ અન્ય બે આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે. તો આ સિવાય પણ વધુ કારની ચોરી કરેલ છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.