ગાંધીનગર : રાજ્યમાં (Gujarat Monsoon) હાલ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે. રાજ્યમાં કાળઝાળ તાપથી તો છૂટકારો મળ્યો છે પરંતુ બફારાએ માઝા મૂકી છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોએ બફારા અને ગરમીમાંથી રાહત મેળવી છે. ત્યારે શનિવારે રાજ્યના 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગના સુબીરમાં શનિવારે 2.28 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, મેઘરાજાની સવારી આગામી 24 કલાકમાં ગુજરાતમાં આવી પહોંચી શકે છે. મહારાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઇ ગયું છે અને હવે ગુજરાતમાં પધરામણી થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. આગામી સાત દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ જાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહ બાદ ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસાનું વહેલું આગમન થાય તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન અંગે જણાવ્યું હતુ કે, 'નૈઋત્યના ચોમાસાએ મધ્ય અરેબિયન સમુદ્રના બાકીના ભાગ, મુંબઇ સહિત કોંકણના મોટાભાગના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના કેટલાક હિસ્સામાં પ્રવેશ કરી લીધો છે. હવે થોડા કલાકોમાં નૈઋત્યનું ચોમાસું ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક ભાગ તેમજ ગુજરાતમાં પ્રવેશે તે માટેની સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.'
રાજ્યભરમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ પણ થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી વાતાવરણ થયું છે. શનિવારે કચ્છ સિવાય રાજ્યના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદની સંભાવના છે.
આ સાથે અમદવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રવિવારથી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 13 જૂને એટલે સોમવારે સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે. સોમવારથી જ રાજ્યમાં શાળાઓ પણ શરૂ થવાની છે. ત્યારે બાળકોએ રેઇન કોટ પણ તૈયાર રાખવાની જરૂર પડશે. નોંધનીય છે કે, શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી છાટાં પડ્યા હતા.