Dhandhuka murder case: ધધુકા: આખા દેશમાં ચર્ચિત કિશન ભરવાડ હત્યાની (Kishan Bharwad murder) ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. ગુજરાત ATSની (Gujarat ATS) ટીમ 2 આરોપીઓને સાથે રાખીને ધંધુકા કે જ્યાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી ત્યાં લઇ જઇને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે. આ હત્યા કેસના બંને આરોપીઓએ શબ્બીર ઉર્ફે સાબા ચોપડા (રહે.મલવતવાડા, ધંધુકા) અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે (રહે. કોઠીફળી,ધંધુકા) કિશન ભરવાડની હત્યા કરી હતી. નોંધનીય છે કે, 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.
કિશન ભરવાડ હત્યા કેસમાં પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીનું પાકિસ્તાન સાથે કનેક્શન છે. પરંતુ હવે એટીએસએ જણાવ્યું છે કે, આ હત્યા કેસમાં પકડાયેલા આઠ આરોપીઓનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત એટીએસ એ તે પણ જણાવ્યું છે કે, મૌલાના ઉસ્માનીના કરાંચીની દાવત-એ-ઈસ્લામી સંસ્થા સાથે સંપર્કની કોઈ વિગતો મળી નથી.
એટીએસની ટીમે જણાવ્યું છે કે, મૌલાનાએ લખેલા પુસ્તકોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારી ડીવાયએસપી, એટીએસ બી.એચ.ચાવડાએ જણાવ્યું હતુ કે, દાવત-એ-ઈસ્લામી જેવું સંગઠન આમાં સંડોવાયેલું છે કે નહીં તે અંગે અમે ઘણી પૂછપરછ કરી છે પરંતુ એવી કોઈ વિગત ખુલી નથી. મૌલાના અયુબે પુસ્તકો લખેલા બોક્સ મળી આવ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન સાથેનું કોઈ કનેક્શન નીકળ્યું નથી. અંડરવર્લ્ડ સાથે પણ કનેક્શન હોય તેવી કોઈ વિગત હાલમાં સામે આવી નથી રહી.
આ ઉપરાંત એટીએસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, મૌલાના કમરગનીની કોલ ડિટેઈલ્સની પણ અમે તપાસ કરી છે પરંતુ હજી સુધી દેશ બહારના તેના સંપર્કો અંગે કોઈ વિગત મળી આવી નથી. મૌલાના કમરગનીનું ટીએફઆઈ નામનું સંગઠન છે. અમે કમરગનીની પૂછપરછ કરી છે તેમાં તેમણે એવું કહ્યું છે કે, મારું સંગઠન કોઈ આવી ગુસ્તાખી કરે તેના વિરુદ્ધ કાયદાકિય લડાઈ લડવી તે માટેનું છે. તેમના ફન્ડિંગ વિશે જણાવતા અધિકારીએ કહ્યું હતું કે, અમે તેમના ફન્ડિંગ વિશે તપાસ કરી છે અને તેમની પાસે બેન્ક ડિટેઈલ્સ પણ માંગી છે. જોકે, પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમે મેમ્બર્સ બનાવતા હતા અને પ્રત્યેક મેમ્બર પાસે દરરોજની એક રૂપિયો ફી રાખતા હતા એટલે દર વર્ષે એક મેમ્બરની 365 રૂપિયા ફી થતી હતી.