આનંદ જયસ્વાલ,બનાસકાંઠા: શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ નવરાત્રિના તહેવાર દરમ્યાન અવનવી રીતે ગરબાનું આયોજન થતું હોય છે પરંતુ બનાસકાંઠાના જલોત્રામાં એવા પણ અનોખા ગરબા થાય છે કે, જ્યાં પુરૂષો મહિલાનો વેશ (male wears women dress and play garba) પહેરી ગરબે ગુમતા હોય છે અને મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે, આના પાછળનું શું કારણ છે તે આ અહેવાલમાં જાણીએ. નવરાત્રિના (Navratri 2021) તહેવારની ઉજવણી શહેરી વિસ્તાર હોય કે, ગ્રામ્ય વિસ્તાર હોય લોકો ધામધૂમ પૂર્વક કરતા હોય છે. આ તહેવાર દરમ્યાન ઠેર ઠેર ડીજે તેમજ ઓરકેસ્ટ્રાના તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાનું વડગામ તાલુકાના જલોત્રા ગામ છે કે જ્યાં, ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ 150 વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે.
કહેવાય છે કે, 150 વર્ષ પહેલાં જલોતરા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તે સમયે ગામમાં મનુષ્ય સહિત ઢોર ઢાંખર પણ રોગચાળામાં સપડાયાં હતાં. ગામ પર મોટી આફત આવી ઊભી હતી તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી. જોકે તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘુમે અને આ નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘુમે તો રોગચાળાને અટકાવી શકાય તેમ છે અને તેમ કરવાથી રોગચાળા પર કાબુ મેળવ્યો હતો.
તે દિવસથી શરૂ થઇ છે આ અનોખી નવરાત્રી. આ નવરાત્રિને 150 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. જો કે આ આધુનિક યુગમાં 150 વર્ષ જૂની આ અનોખી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવરાત્રીને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહિ પણ દૂર દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામે આવી રહ્યા છે.