આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ચોમાસામાં સામાન્ય રીતે મગર, સાપ અને અજગર જેવા પ્રાણીઓ ખેતરમાંથી નીકળતા હોય છે. બનાસકાંઠામાં વિરમપુર ગામ પાસે એક ખેતરમાં શનિવારે બપોરના સમયે અજગર ઘૂસી આવતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં ખેતર માલિકે અંદાજિત સાત ફુટ લાંબા અજગરનું જાતે જ રેસ્ક્યુ કરીને કંતાનના થેલામાં પૂરી સુરક્ષિત જગ્યાએ છોડ્યો હતો.
થોડા સમય પહેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા વાઘોડિયા તાલુકાના સાગડોલ ગામની સીમમાંથી 6 ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામમાં રહેતા બુધાભાઈન ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં એક મોટો અજગર આવી ગયો છે. સ્થળ ઉપર પહોંચેલી ટીમને સાડા છ ફૂટનો અજગર ખેતરમાં જોવા મળ્યો હતો. ટીમે અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યૂ કરીને વાઘોડિયા વન વિભાગને સોપ્યો હતો