ભાવિન પટેલ, નવસારીઃ ભાઈના ઘરેથી પતિ સાથે બાઈક પર નવસારી આવી રહેલી મહિલાના ગળામાંથી સ્નેચરે સોનાની ચેઈન ખેંચી અને મહિલા રસ્તા પર પટકાતા કોમામાં સરી પડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું શુક્રવારે સવારે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતુ. આ સમગ્ર ઘટનામાં નવસારી LCB પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઈંટલીજન્સની મદદથી 5 દિવસોમાં જ ત્રણ લાલચુ સ્નેચરોને દબોચી લીધા છે, જેની સાથે નવસારીનો સોની પણ ચેઈન ખરીદતા ભેરવાયો છે.
નવસારીના જલાલપોરમાં રહેતા 55 વર્ષીય રંજનબેન પાઘડાળ અને પતિ મનસુખ પાઘડાળ ગત શનિવારે સુરત સ્થાયી થવાના ઇરાદે સુરત રહેતા ભાઈના ઘરે ગયા હતા. ત્યાંથી રવિવારે સવારે બંને દંપતિ બાઈક પર નવસારી પરત આવી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ધોળાપીપળા ઓવર બ્રિજ નજીક સર્વિસ રોડ પર તેમની પાછળ ધૂમ સ્ટાઈલમાં બાઈક પર મોઢે રૂમાલ બાંધી આવેલા નવસારીમાં ડાભેલ ગામના રીઢા ગુનેગાર ઈમરાન એકલવાયા અને હારૂન ઉર્ફે ચાઉસ હમઝાએ થોડો સમય તેમનો પીછો કર્યો હતો.
હારૂને અચાનક રંજનબેનના ગળામાં હાથ નાંખી 1 લાખથી વધુ કિંમતની સોનાની ચેઈન ખેંચીને તોડી લીધી હતી અને ત્યાંથી પુર ઝડપે ભાગી છૂટયા હતા. જેમની સાથે ઈમરાનનો ભાઈ ઝુબેર એકલવાયા પણ બીજી બાઈક પર સાથે હતો. ઘટનામાં સ્નેચર હારૂનનો હાથ પડતા જ રંજનબેને પોતાની ચેઈન બચાવવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યા અને તેઓ બાઈક પરથી રસ્તા પર ઉંધે માથે પટકાતા, લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા.
ચેઈન સ્નેચિંગની ઘટનામાં મહિલા કોમામાં સરી પડ્યાની જાણ થતા જ નવસારી જિલ્લા પોલીસે ગંભીરતાથી તપાસને વેગ આપ્યો હતો. જેમાં નવસારી LCB, SOG સહિત ગ્રામ્ય પોલીસ અને એક વિશેષ ટીમ આરોપીઓને પકડવા કામે લાગી હતી. પોલીસે નવસારીથી સુરત સુધીના 50 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખાંગાળ્યા હતા. સાથે જ હ્યુમન ઈન્ટેલિજન્સનો પણ સહારો લીધો હતો.
જેમાં રવિવારે જ થોડા કલાકો બાદ સુરતના કોસંબામાં પણ ચેઈન સ્નેચિંગની ઘટના બની હોવાનું જણાતા, એ વિસ્તારમાં પણ પોલીસે સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં પોલીસને કડી મળી અને પોલીસે એ કડીને આધારે નવસારીમાં ડાભેલ ગામના ઈમરાન એકલવાયા અને ઝુબેર એકલવાયા તેમજ હારૂન ઉર્ફે ચાઉસ ઉપર નજર રાખી હતી. 36 કલાક ફિલ્ડિંગ ભર્યા બાદ પોલીસે આજે ત્રણેય આરોપીઓને વેસ્મા નજીકથી દબોચીને ધરપકડ કરી લીધી હતી.
પૂછપરછમાં લૂટેલી સોનાની ચેઇન નવસારીના જ સોની ઇમરાન શેખને વેચી હોવાની કબૂલાત કરતાં પોલીસે સોની ઈમરાન શેખની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપી સોની પાસેથી 2.29 લાખની સોનાની બે ચેઈન, 37 હજારના મોબાઈલ ફોન અને 1.10 લાખની બે બાઇક મળી કુલ 3.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.