

કિંજલ કારસરીયા, જામનગર : ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી નરેશ કનોડિયાનું (Naresh Kanodia) આજે નિધન થયું છે. મોટાભાઇ મહેશ કનોડિયાનાં (Mahesh Kanodia) નિધનનાં બે દિવસ બાદ નાનાભાઇ નરેશ કનોડિયાનું પણ અવસાન થયું છે. જૂનિયર નરેશ કનોડિયા તરીકે પ્રખ્યાત કિશોર ડાભીએ News18 ગુજરાતી સાથે ખાસ વાત કરી હતી અને નરેશ કનોડિયા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.


જૂનિયર નરેશ કનોડિયા તરીકે પ્રખ્યાત કિશોર ડાભીએ જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં મહેશ-નરેશની ખોટ પડી છે. ગુજરાતી ઢોલિવુડ અને ટોલિવૂડના તારલા હતા.


તેમણે કહ્યું હતું કે નરેશ કનોડિયાએ હું પ્રથમ વખત જામનગરમાં મળ્યો હતો અને મેં નક્કી કર્યું હતું કે આ કલાકારના ડુપ્લિકેટ કરવા છે. નરેશ કનોડિયાની ભાથીજી મહારાજ ફિલ્મથી પ્રેરાઇને નક્કી કર્યું હતું કે આપણે નરેશ કનોડિયા બનવું છે.


નરેશ કનોડિયા સાથેના સંસ્મરણો વાગોળતા જૂનિયર નરેશ કનોડિયા તરીકે પ્રખ્યાત કિશોર ડાભીએ કહ્યું હતું કે મારો જન્મ દિવસ હતો ત્યારે તેમણે સરસ કહ્યું હતું કે કિશોર તુ ગુરુનું નામ જરૂર રોશન કરીશ. દુનિયામાં મહેશ-નરેશની ખોટ પડી છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે.


નરેશ કનોડિયાનાં અંતિમ સંસ્કાર ગાંધીનગર (Gandhinagar) સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. હવે નરેશ કનોડિયાની યાદો જ આપણી પાસે છે તેમનું શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું છે. પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ભેગા થયા હતા.