માઉન્ટ આબુઃ માઉન્ટ આબુમાં ફેબ્રુઆરી મહિનો શરુ થઈ ગયો છતાં ઠંડીનો સતત ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાન માઈનસમાં પહોંચી જવાના કારણે આજે પણ સવારે અહીં ઘાંસના મેદાનો, પાણી ભરેલું હોય તેવી જગ્યાઓ પર બરફ જામેલો જોવા મળ્યો છે. પહેલીવાર માઉન્ટ આબુમાં બરફ જામેલો જોઈને ગુજરાતી પ્રવાસીને ઘણી મોજ પડી ગઈ હતી. તેમણે જણાવ્યું કે આ જોઈને ઘણી ખુશી થઈ રહી છે.
માઉન્ટ આબુમાં સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડાકાવાળી ઠંડી પડતી હોય છે અને ઠેર-ઠેર તાપમાન માઈનસમાં જતા બરફ જામેલો જોવા મળતો હોય છે. પરંતુ ફેબ્રુઆરીમાં પણ અહીં બરફ જામેલો જોઈને અહીં આવેલા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા. પ્રવાસીઓ સવારમાં હોટલની બહાર નીકળ્યા પછી બરફ સાથે રમવા લાગ્યા હતા. આ દરમિયાન ગુજરાતી પ્રવાસીઓએ એક અલગ હવામાન જોઈને ખુશી પણ વ્યક્ત કરી છે.
ગુજરાતી યુવતીએ અહીં બરફ જોઈને પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે સ્પેશિયલી અહીં બરફ જોવા માટે આવ્યા હતા. જ્યારે આવ્યા ત્યારે તો વરસાદ પડતો હતો પરંતુ આજે બરફ જોઈને બહુ જ ખુશી થઈ રહી છે. પોલો ગ્રાઉન્ડ સહિતની જગ્યા પર બરફ છવાયેલો જોવા મળ્યો છે. અન્ય પ્રવાસી મહિલાએ જણાવ્યું કે વર્ષોથી મારું માઉન્ટ આબુમાં બરફ જોવાનું સપનું હતું તે પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે અમારા માટે યાદગાર સમય બની રહેશે.
આજે માઉન્ટ આબુનું તાપમાન માઈનસ 4થી 5 ડિગ્રી રેકોર્ડ થયું છે. ફેબ્રુઆરી શરુ થઈ ગયો તેમ છતાં અહીં ઠંડીનું જોર યથાવત છે અને અહીં આવેલા પ્રવાસીઓની ખુશી તેના કારણે બમણી થઈ રહી છે. માઉન્ટ આબુમાં પડી રહેલી ઠંડીના કારણે અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યાના કારણે હોટલ સહિતના વેપાર-ધંધા સાથે સંકળાયેલા પ્રવાસીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
અહીં આવેલા પોલો ગ્રાઉન્ડ સહિત ખુલ્લા મેદાનો અને નક્કી લેક પાસેના વિસ્તારમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. સવારમાં હોટલની બહાર નીકળેલા પ્રવાસીઓને એક ક્ષણ માટે એવું લાગ્યું કે તેઓ માઉન્ટ આબુ નહીં પરંતુ શિમલા-મનાલી પહોંચી ગયા હોય. પહેલીવાર માઉન્ટ આબુનું આવું વાતાવરણ જોઈને પ્રવાસીઓએ એટલા ખુશ હતા કે તેમની પાસે ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછા પડી રહ્યા હતા.