મહેસાણાઃ તહેવારોની ઉજવણી દરમિયાન લોકો આવેશમાં આવી જતા ખૂની ખેલ ખેલાતા હોય છે. મહેસાણામાં પણ પતંગ ચગાવવાની બાબતે થયેલા ઝઘડામાં એકનું મોત થઈ ગયું છે. હુમલાનો ભોગ બનેલા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં મૃતકના પરિવારના સભ્યો બચાવમાં વચ્ચે પડતા તેમને પણ ઈજાઓ થઈ છે. પોલીસે 5 સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
મહેસાણાના ઉમાનગરમાં પતંગના પેચ લગાવવાની બાબતે પાંચ યુવકોએ વૃદ્ધ નાગજીભાઈ વણજારા સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા વનરાજ ઠાકોર, હરેશ રાવળ, ચિરાગ રાવળ, બોબી રાવળ અને સુનીલ વ્યાસે નાગજીભાઈ પર હુમલો કર્યો હતો. પાઈપ વડે હુમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળ પર તેમના શ્વાસ અટકી ગયા હતા.
નાગજીભાઈ વણજારાને માર મારવામાં આવતા તેમના પરિવારના સભ્યો બચાવમાં વચ્ચે પડ્યા હતા. જેમાં તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આવેશમાં આવેલા તોફાની યુવકોએ વૃદ્ધ નાગજીભાઈ પર હુમલો કરતા તેમના ભાઈ, પત્ની અને દીકરો બચાવમાં પડ્યા હતા. જેના કારણે તેઓ પણ ઘાયલ થયા હતા. એ ડિવિઝન પોલીસે વનરાજ, હરેશ, ચિરાગ, બોબી, અને સુનીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને જરુરી કાર્યવાહી શરુ કરી છે.