દિપીકા ખુમાણ, અમદાવાદ : લોકપ્રિય ગાયક સ્વ. મણિરાજ બારોટની બે પુત્રીના લગ્ન (Maniraj Barot daughters Marriage) થયા છે. મણિરાજ બારોટની (Maniraj Barot)પુત્રી અને ગાયિકા રાજલ બારોટે (Rajal Barot)બંને બહેનોના કન્યાદાન કર્યા છે. આ પહેલા બે વર્ષ પહેલાં રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલે કન્યાદાન કરી એક અલગ ચીલો ચાતર્યો હતો. મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી. તેમને કોઈ ભાઈ ન હોવાથી રાજલ બારોટે પિતાના પગલે લોકગાયક બની બહેનોને મોટી કરી હતી.
ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ લગ્નમાં જીગ્નેશ કવિરાજથી લઈને માયાભાઈ આહિર સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
ચારેય બહેન એકબીજાને રાખડી બાંધે છે - રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.
કોણ છે રાજલ બારોટ - સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત રહે છે. જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વિન તરીકે જાણીતી બની ગઈ છે.
રાજલના જાણીતા સોંગ્સ- 13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમોમાં પ્લેબેક સિંગિગ કરી ચૂકી છે. જેમાં આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ, હિરલની ધમાલ જેવા સોંગ્સનો સમાવેશ થાય છે.