અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના (Gujarat weather) અનેક જિલ્લામાં આજથી આગામી ચાર દિવસ માવઠાની (rain forecast) આગાહી કરવામાં આવી છે. બુધવારે પણ વાદળછાયું (cloudy environment in Gujarat) વાતાવરણ રહ્યું હતું અને બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ઝાપટાં પડયા હતા. આ સાથે અમદાવાદમાં પણ બુધવાર રાતે અને ગુરૂવારે સવારે પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકો અને જગતના તાતને ચિંતા થઇ છે કે ભરશિયાળામાં વરસાદ વરસે છે તો કરવું શું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરુવારે કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકામાં માવઠાની આગાહી છે. જ્યારે આવતીકાલે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યારે રવિવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન વધીને 28 ડિગ્રી જેટલું રહ્યું છે. જોકે, 06 જૂનથી દિવસના તાપમાનમાં ઘટાડો થશે. હવામાન ખાતું જણાવે છે કે, ગુરુવારે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 24 ડિગ્રી રહી શકે છે, જ્યારે વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલમાં રાત્રીના તાપમાનમાં ખાસ ફરક જોવા નહીં મળે અને તે 18 ડિગ્રીની આસપાસ રહેશે. જોકે, 07 જાન્યુઆરીથી દિવસ ઉપરાંત રાત્રીનું તાપમાન પણ ઘટી શકે છે. ખાસ કરીને રાત્રીનું તાપમાન ઘટીને 14 ડિગ્રી સુધી પહોંચશે. 08 જાન્યુઆરીના રોજ તે ગગડીને 12 ડિગ્રી થઈ શકે છે. આ દરમિયાન દિવસના તાપમાનમાં ખાસ ઘટાડાની શક્યતા નથી. દિવસનું તાપમાન અમદાવાદમાં 24 ડિગ્રીની આસપાસ રહેશે.
હવામાન ખાતની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં પણ આ ગાળા દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ખાસ કરીને ડીસામાં રાત્રીનું તાપમાન 9 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. જ્યારે દિવસનું તાપમાન 26 ડિગ્રી રહેશે. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, રાજકોટમાં રાત્રીનું તાપમાન 20-16 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દિવસનું તપામાન 29-27 ડિગ્રી વચ્ચે રહેશે. સુરતમાં 07, 08 જાન્યુઆરીએ વરસાદી માહોલની શક્યતા છે.