તુર્કીના ઇસ્તંબુલ ખાતે 31 ડિસેમ્બરની રાત્રીએ ન્યૂ યર પાર્ટીમાં સાન્તાના વેશમાં આવેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં વડોદરાના મૂળની આશાસ્પદ યુવતી ખુશી શાહનું મોત નિપજ્યું હતું. વ્યવસાયે ફેશન ડિઝાઇનર ખુશી શાહ નામની યુવતી આ હુમલા સમયે ઘટના સ્થળે જ હોવાને કારણે તે પણ આતંકી હુમલાનો ભોગ બની હતી. ખુશીના મૃત્યુની જાણ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના ટ્વીટ દ્વારા પરિવારને થઈ હતી.
વડોદરાના પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખૂબ મદદ કરી હતી. પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી હતી તેવામાં તાત્કાલિક ધોરણે તુર્કી જવા માટે વિઝાની વ્યવસ્થાથી લઈને ખુશી શાહના પાર્થિવ દેહને વડોદરા લાવવા સુધીની વ્યવસ્થા સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રાલયના નેજા હેઠળ કરી આપી હતી.