પ્રેમના તહેવાર એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદ પોલીસે ઉસ્માનપુરા ખાતે આવેલો રિવરફ્રન્ટ ગાર્ડન ખાલી કરાવ્યો હતો. સાથે જ અહીં બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે નહીં મનાવવાને લઈને પત્રિકા વિતરણ કરી હતી. પોલીસને આશંકા હતી કે બજરંગદળ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરશે, જેના પગલે પોલીસે પહેલા જ ગાર્ડનમાં બેઠેલા પ્રેમી યુગલોને ભગાડી દીધા હતા. સાથે જ અહીં વિરોધ કરવા આવી પહોંચેલા બજરંગદળના કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી.
રિવરફ્રન્ટ ખાતે વેલેન્ટાઇન ડેને લઈને પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારથી જ ઉસ્માનપુરા ખાતે આવેલા ગાર્ડનમાં પ્રેમી યુગલો તેમજ સ્કૂલ-કોલેજના યુવતી-યુવતીઓ એકઠા થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે કાર્યવાહી કરતા પ્રેમી યુગલો તેમજ સ્કૂલ-કોલેજના છાત્રાઓને ગાર્ડન બહાર નીકળી જવાનો આદેશ કર્યો હતો.
આ સાથે જ બજરંગદળના કાર્યકરો પણ ઉસ્માનપુરા ખાતે આવેલા ગાર્ડનમાં પહોંચી ગયા હતા અને અહીં હાજર યુગલોને પત્રિકા વહેંચી હતી તેમજ તેમને વેલેન્ટાઇન ડેની ઉજવણી નહીં કરવા માટે સમજાવ્યા હતા. પોલીસ તેમજ બજરંદ દળની હાજરીને કારણે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે એકઠા થયેલા અમુક યુગલો દીવાલો કૂદીને ભાગ્યા હતા.