જનક જાગીરદાર, ખેડા : ગુજરાતના ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સુવર્ણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા હાલ કોરોના મહામારીમાં રાજ્ય સરકાર અને ખેડા જિલ્લા પ્રસાશન કોરોના સંક્રમિત દર્દીને સારવારના ગંભીર મુદ્દા પર ચિંતિત છે. ત્યારે વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરની ચાલતી નિઃશુલ્ક હોસ્પિટલને વડતાલ મંદિર સંસ્થાને ખેડા જિલ્લા વહીવટીતંત્રને કોવિડ-19ની હોસ્પિટલ તરીકે સુપ્રત કરી છે.
તાજેતરમાં ખેડા કલેક્ટર, ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીએ વડતાલ મંદિર સંચાલિત નિઃશુલ્ક હોસ્પિટલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ખેડા જિલ્લા કલેક્ટરે વડતાલ મંદિર સંસ્થાનને આ હોસ્પિટલ કોવીડ 19 ના સંક્રમિત દર્દીઓની સારવાર માટે આપવા વિનંતી કરી હતી જેને વડતાલ ટેમ્પલ કમિટીએ માન્ય રાખી હાલ 44 બેડ ઓક્સિજન બોટલની સગવડ સાથે વડતાલ મંદિર સંસ્થાને ખેડા જિલ્લા વહીવટી તંત્રને કોવિડ 19ના સંક્રમિત દર્દીની સારવાર માટે આપેલ છે.
વડતાલ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામીના જણાવ્યા મુજબ તાજેતરમાં ખેડા કલેક્ટર, ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીએ અમારી વડતાલ મંદિર સંચાલિત હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે આ હોસ્પિટલને કોવિડ 19ના દર્દીની સારવાર માટે સેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. જે પછી વડતાલ ટેમ્પલ કમિટીના સભ્યોએ ચર્ચા બાદ ખેડા જિલ્લા પ્રસાશનને કોવિડ 19ના દર્દીની સારવાર અર્થે આપેલ છે.