આણંદ: સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ (Vadodara to Ahmedabad) જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા 12થી વધુ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને કારણે વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તુરંત જ આણંદ- ખેડા પોલીસ (Anand Kheda Police) દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. જોકે, અજાણ્યા ઈસમો કોણ હતા તેની કોઇ ભાળ મળી ન હતી.
આ અંગે મીડિયા સાથે વાત કરતા, વડોદરાના રાજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા હતા. એ સમયે આણંદ જિલ્લાથી થોડે આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. આ જોઇને લોકો સાથે વાતચીતમાં જણાવ્યું કે, કોઇ અજાણ્યા ઇસમોએ વાહનોને નુકસાન પહોંચાડ્યુ છે.