દીપિકા ખુમાણ, અમદાવાદ: પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો જાહેર (UP Election 2022) થઇ ગયા છે. ગત રોજ મોદી સરકારે (PM Modi in Ahmedabad) ઉત્તર પ્રદેશમાં ભગવો લહેરાવી દીધો છે. ત્યારે હવે આજે તેઓ અમાદવાદ આવી રહ્યાં છે. ત્યારે તેમનાં સ્વાગતમાં કોઇ કમી ન રહી જાય અને જીતનો જશ્ન પણ ઉજવવામાં આવે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કાળના 2 વર્ષ બાદ ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. 12મી માર્ચના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ-2022ની શરૂઆત કરાશે. અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કાર્યક્રમને લઈ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.જેના પગલે આજથી નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે બન્ને ડેપ્યુટી કમિશનર સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઇ અને તેમાં કરવામાં આવતી તૈયારી અને સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવવાના હોવાથી કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બેઠક વ્યવસ્થાથી લઇ અને પાર્કિંગ, હોર્ડિંગ્સ, બેનરો, સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ, સિક્યુરિટી, સ્ટેજ, ગ્રીન રૂમ વગેરે અંગેની તૈયારી શરૂ કરવામાં આવી છે.