ન્યૂઝ18 ગુજરાતી: રામચંદ્ર ગુહા હવે અમદાવાદ યુનિવર્સિટીની વિન્ટર સ્કૂલના ગાંધી કેન્દ્રમાં જોડાવાના નથી, તે સૌની જાણકારીમાં છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે(ABVP) રામચંદ્ર ગુહા પર અવનવા આરોપ મૂકીને અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અને તેમની નિમણૂક તત્કાળ કેન્સલ કરવા અનુરોધ કર્યો. એવું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આખો પત્ર અહીં મુક્યો છે. તેમની દલીલો કેટલી વાહિયાત છે અને આવા લોકો દેશનું, દેશની અખંડિતતાનું કે દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાના હોય, તો દેશને કેમ અલગથી દુશ્મનોની જરૂર નહીં પડે, તે આ પત્ર વાંચીને સમજાઈ જશે. (જાણીતા લેખક ઉર્વીશ કોઠારીના બ્લોગ પરથી આભાર સહ)
આ કહેવાતી વિદ્યાર્થી પરિષદની સમજનો અંદાજ તેની પરથી આવી જશે કે રામચંદ્ર ગુહા માટે તે 'કહેવાતા ઇતિહાસકાર' જેવો શબ્દપ્રયોગ કરે છે. આખા પત્રમાં 'મેકર્સ ઑફ મૉર્ડન ઇન્ડિયા'માંથી બે-ચાર વસ્તુઓ કાઢીને, ચાર-પાંચ લેખો ને ટ્વીટ ને એવું બધું જોડીને આ વિદ્યાર્થી પરિષદ ગુહાને કેવા ખલનાયક ચીતરે છે, એ તેમની માનસિક રુગ્ણતાના અંદાજ તરીકે જોવા જેવું છે. ગુહાનાં બીજાં અનેક પુસ્તકોનો કે તેમની સ્કોલરશિપનો સ્વાભાવિક રીતે જ કશો ઉલ્લેખ નથી. વિદ્યાર્થી પરિષદ તો જે છે તે છે, પણ અમદાવાદ યુનિવર્સિટીથી માંડીને બીજા બધા (આ પત્રની નકલ જેમને મોકલવામાં આવી છે તે મહાનુભાવો સહિતના) લોકો આવી વાહિયાત ધમકીઓને તાબે થઈ જાય અથવા તેને સાંખી લે.
આ પ્રસંગે મકરંદ દવેએ અનુદિત કરેલી ખલીલ જિબ્રાનની પંક્તિઓ જ યાદ આવે... નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો! / જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો, / ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા, / એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા! / જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,/ દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા. (આગળ એબીવીપીએ અમદાવાદ યુનિવર્સિટીને લખેલા પત્રના ત્રણ પાના વાંચી જુઓ)