આજે નવરાત્રીનો (Navratri 2021) ચોથો દિવસ છે. રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે (Gujarat Wether forecast in Navratri) આગાહી કરી છે કે, વરસાદ ગરબાના (Garba) રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં (Ahmedabad) આગામી બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે. ગઈકાલે એટલે શનિવારે, અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે. જેથી જતાં જતાં વરસાદ નવરાત્રિનો રંગ બગાડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શનિવારે ગોંડલ શહેરમાં દોઢ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માર્ગો પર નદીઓ વહી હતી અને ગ્રામ્ય પંથકમાં ખેતરો ચેકડેમ જેવા બની ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ધોરાજીમાં પણ 1.5 ઇંચ અને જસદણમાં અડધો ઇંચ વરસાદ પડી જતાં અસહ્ય બફારાથી અકળાતા લોકોને રાહત મળી હતી. કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઇંચ અને મોટીમારડમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. આટકોટ 1 ઇંચ વરસાદ સાથે ભીંજાયું હતું. મધ્ય ગીરમાં ચાર ઇંચ સુધી વરસાદ થયો હતો, જ્યારે સાસણ ગીર જંગલમાં 3 ઇંચ વરસાદ થયો હતો.