અક્ષય જોષી, અંતિક ઘોનસિકર : હાલ ગુજરાતમાં નવરાત્રીનો (Navratri 2021) મહાપર્વ ચાલી રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં થતી અનેક પરંપરાઓ (Navratri tradition) છે જે વર્ષોથી ચાલતી આવે છે. એવી જ એક પરંપરા છે પુરુષોના (male garba) ગરબા. આવા ગરબા હાલ સુરેન્દ્રનગર અને વડોદરામાં જોવા મળે છે. જેમાં માત્ર પુરુષો જ ગરબે ઘુમતા જોવા મળે છે. એકપણ સ્ત્રી ત્યાં ગરબા ગાવા નથી જતી. આ રસપ્રદ પરંપરા અંગે આજે આપણે વિસ્તારથી જાણીએ.
માઇકમાં ગરબા ગાવાના બદલે એક વ્યક્તિ દ્વારા ગરબા ગવડાવવામાં આવે છે અને જે લોકો ગરબા રમતા હોય છે તે પણ ગરબા ઝીલી સાથે સાથે ગાય છે. વર્ષોથી આ ગરબીમાં માત્ર પુરૂષો જ ગરબા ગાય છે. ગરબા પણ પ્રાચીન જ ગાવામાં આવે છે. જેમાં ગણપતિનો ગરબો, શંકર વિવાહનો ગરબો, આનંદનો ગરબો, બ્રહ્માજીનો ગરબો, ધનસુધારીનો ગરબો જેવા ગરબા ગાવામાં આવે છે.
વર્ષો પહેલાં વડોદરામાં મહિલાઓ ઘુંઘટ પ્રથા અપનાવતા અને વધારે કરીને મહિલાઓ ઘરમાં જ રહેતી અને પુરુષો બહારના કામો જોતાં ત્યારે અંબાજી મંદિરે નવરાત્રી સમયે મહિલાઓ ગરબા ગાતી અને બહાર પુરુષો માંની ચૂંદડી ઓઢી ગરબા રમતા. જે પરંપરા આજ સુધી જળવાઇ રહી છે. ત્યારે આજે બીજા નોરતે અહીં પુરુષો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા.