સંજય ટાંક, અમદાવાદ: પોલીસમાં ભરતી માટે લોકરક્ષક દળની પરીક્ષા (LRD Exam) લેવાઈ રહી છે. 2 લાખ 95 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. સરકારી નોકરી માટે લોકો કેટલી હદે મહેનત કરતા હોય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ LRDની પરીક્ષામાં જોવા મળ્યું. જ્યારે આ પરીક્ષા આપવા માતા પોતાના બાળકોને પણ સાથે લાવેલા જોવા મળે છે. એક માતા પોણા ત્રણ વર્ષના બાળકને લઈને તો અન્ય એક માતા પોતાના દોઢ વર્ષના બાળકને લઇને LRDની પરીક્ષા આપવા પહોંચી.
જોકે મહિલાએ કેમેરા સમક્ષ કશું કહેવાનો ઇનકાર કર્યો. પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ પાટણના સમી તાલુકાના વતની છે. પોલીસ ભરતી માટે તેઓ ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે. અગાઉ પોલીસ ભરતી માટે 2018માં તેઓએ પ્રયાસ કર્યો હતો. લેખિત પરીક્ષા પાસ પણ કરી લીધી હતી. પરંતુ પોતાની પ્રેગ્નન્સીના કારણે દોડમાં સાત સેકંડ માટે રહી ગયા હતા. જેથી આ વખતે પોલીસ ભરતી માટે તેઓએ બીજો પ્રયાસ કર્યો છે. જે માટે 2021માં ફોર્મ ભરાયા હતા. આ વખતે તેઓએ શારીરિક પરીક્ષા પાસ કરી લીધી છે અને હવે લેખિતમાં પણ તેઓ પાસ થાય તેવી આશા સેવી રહ્યા છે.
આ મહિલા MA વિથ હિસ્ટ્રીનો અભ્યાસ કરેલો છે. તેમના પતિ સમીમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મહિલા અગાઉ ટેટની પરીક્ષા પણ પાસ કરી ચુક્યા છે પરંતુ મેરિટમાં તેઓ રહી ગયા હોવાનો નિખાલસ સ્વીકાર કર્યો હતો. તેઓ પોતાના ભાઈને સાથે લઈને આવ્યા છે. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તેમનું બાળક તેના ભાઈ સાથે રહેશે.
3 કલાક બાળક માતા વિના રહી શકે તે માટે ઝાડ પર દુપટ્ટા વડે પારણું બાંધીને બાળક સુઈ ગયો. બાળક સૂઇ ગયો ત્યાં સુધી પારણું ઝુલાવ્યું અને બાળકની સામે રહ્યા અને બાળક સુતા બાદ મહિલા પરીક્ષા આપવા ગયા છે. અત્યારે બાળક અને તેના પિતા કેન્દ્રની બહારના બગીચામાં બેઠા છે. મહિલાના પતિ અલકેશભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાતે અમે દાહોદથી નીકળ્યા હતા. બાળક થોડું બીમાર છે એટલે બાળકને સાથે લઈને આવ્યા છીએ. મેં પણ LRD ની શારીરિક કસોટી આપી હતી જેમાં હું નાપાસ થયો હતો પરંતુ મારા પત્ની પાસ થયા છે. જેથી આજે લેખિત પરીક્ષા આપવા આવ્યા છીએ.પરીક્ષા પુરી થાય ત્યાં સુધી બાળકને લઈને હું બગીચામાં જ બેસીશ.