

વિભુ પટેલ, અમદાવાદ : કોરોના કહેર (Coronavirus)ના કારણે દેશમાં લૉકડાઉન (Lockdown) થયું છે. જે બાદમાં શ્રમિકો (Migrant Workers)ને ખાવાના ફાંફાં પડી ગયા છે. ખાવાનું અને કામ ન હોવાથી અનેક શ્રમિકો પગપાળા જ વતન જવા માટે નીકળી પડ્યા હતા. જે બાદમાં સરકારે જાહેરાત કરી કે જે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માંગે છે તેમના માટે વ્યવ્સથા કરવામાં આવશે. આ ઉપરાંત રોડ પર પગપાળા જતા લોકોને પણ શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા. હવે તેમને ક્રમશઃ તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદથી પણ શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ દરમિયાન એક શ્રમિક મહિલાએ રેલવે સ્ટેશન જતી વખતે બસમાં જ બાળકને જન્મ આપ્યો છે.


કઠવાડા ખાતે રહેતા શ્રમિકોને છત્તીસગઢ મોકલવામાં આવી રહ્યા છે. આ શ્રમિકોમાં અંજના રાજુ ટંડેલ નામની એક મહિલા પણ શામેલ હતી. અંજનાબેનને 9મો મહિનો ચાલતો હતો. તે પતિ સાથે કઠવાડા રહેતી હતી. આ દરમિયાન સરકાર દ્વારા છત્તીસગઢના શ્રમિકોને મોકલવા માટેની વ્યવસ્થા થતાં તેણે પણ વતન જવાની ઇચ્છા પ્રગટ કરી હતી. જે અનુસંધાને આજે કઠવાડા ખાતે શેલ્ટર હાઉસ અને અન્ય મજૂરોને રેલવે સ્ટેશન પહોંચાડવા માટે વિશેષ બસ દોડાવવામાં આવી હતી. આ બસ કઠવાડાથી વસ્ત્રાલ મહેસૂલ ભવન પહોંચી હતી.


અહીંથી છત્તીસગઢના લોકોને રેલવે સ્ટેશન લઈ જવાના હતા. વસ્ત્રાલ મહેસૂલ ભવનથી બસ ઉપડે તે પહેલા અંજનાને પ્રસવ પીડા ઉપડી હતી. જે બાદમાં તંત્ર દ્વારા ફોન કરીને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જોકે, 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ અંજનાબેને બસમાં જ બાળકને જન્મ આપી દીધો હતો.


માતા અને બાળક બંનેની તબિયત સારી જણાતા તમામ લોકો ખુશ થઈ ગયા હતા. જે બાદમાં બંનેને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાાય હતા. અંજનાબેનની ડિલિવરી નોર્મલ હોવાથી તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને ત્યાર બાદ તંત્ર તરફથી તેમને ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા.