રુત્વિજ સોની, અમદાવાદ: શહેરનાં શાહીબાગ વિસ્તારમાં (Ahmedabad Crime) વગર ઓપરેશને ઢીંચણની સારવાર કરાવવી એક મહિલાને ભારે પડી છે. ગઠીયાએ ઢીંચણની (Knee Issue) આજુબાજુમાં પાઇપ લગાવી એક કાગળમાં ઢીંચણમાં ભરાયેલ રસી કાઢી લીધી હોવાનું કહીને રૂપિયા બે લાખ (2 Lakhs Rupees) પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે.
શાહીબાગ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા કેટલાક દિવસ અગાઉ તેમની પત્ની સાથે શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ નજીક અનાજ દળવાની ઘંટીએ ગયા હતા. જ્યાં તેમની પત્નીને એક ગઠિયો મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે માજી તમને ઢીંચણનાં દુખાવાનાં કારણે ચાલવામાં તકલીફ પડી રહી છે મારી માતાને પણ આવી તકલીફ થતી એક ડો. મલિક છે, જે મહિનામાં એક વાર આવે છે અને વગર ઓપરેશને દુખાવો મટાડી આપે છે. તેમ કહીને પોતાનું નામ સુરેશ અગ્રવાલે જણાવી એક કાગળમાં તેનો મોબાઈલ નંબર લખી આપી ચાલ્યો ગયો હતો.
જોકે સાંજે ફરિયાદીએ નંબર ઉપર ફોન કરતા તેણે ડો. મલિકનો નંબર આપ્યો છે. જેની સાથે વાત કરતા બીજે દિવસે આ સુરેશ અગ્રવાલ સિવાયના બે ગઠીયાઓ જેમાં એક એ તેનું નામ ડૉ. મલિક જણાવ્યું હતું. તેઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા. અને ફરિયાદીની પત્નીને ઢીંચણમાં રસી થઈ ગઈ હોવાનું કહીને રસી કાઢવાની સારવાર માટેનો ખર્ચ કહ્યો હતો.
ફરિયાદીનાં પત્ની ખર્ચ આપવા માટે તૈયાર થતા આ ગઠીયાએ તેની પાસે રહેલ એક પાઇપ ઢીંચણ ના આજુબાજુ મૂકીને દબાણ આપી પાઈપ માંથી રસીનાં ટીપાં અલગ અલગ કાગળ માં મુકવા લાગેલ. આમ બંને પગ માંથી આ રીતે રસી કાઢી હોવાનો ડોળ કરીને ફરિયાદી પાસે થી રૂપિયા બે લાખ પડાવી લીધા હતા. જો કે બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ સુરેશ અગ્રવાલને ફોન કર્યો હતો પરંતુ તેણે પોતાનું સરનામું નહિ આપીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધો હતો. અંતે ફરિયાદીએ આ બાબતની જાણ પોલીસને કરી છે. પોલીસ એ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.