ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી માટે આજે મતગણતરી થઈ હતી. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર 2014માં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી જીત્યા હતા. આ વખતે અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને હાર આપી છે. અમિત શાહે 4 લાખથી વધારે મતથી જીત મેળવી છે. અમિત શાહની જંગી જીત છતાં રેકોર્ડ્સ કાયમ રહ્યા છે. આગળ જાણો ભારતમાં સૌથી મોટા માર્જિનથી જીતના રેકોર્ડ કોની કોની નામે નોંધાયેલા છે.
અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીના પરિણામનો રેકોર્ડ તપાસવામાં આવે તો બીજેપીના નેતા ગોપીનાથ મુંડેની દીકરી પ્રિતમ મુંડેએ વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં મહારાષ્ટ્રની બીડ બેઠક પરથી સૌથી વધારે માર્જિન સાથે જીત મેળવી હતી. પ્રિતમે 6,96,321 મતથી કોંગ્રેસના ઉમેદવાર અશોકરાવ પાટીલને હાર આપી હતી. આ ચૂંટણીમાં પ્રિતમને કુલ 922,416 મત મળ્યા હતા.
સૌથી મોટી જીતમાં ત્રીજા નંબરે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ આવે છે. 1991ની પેટા-ચૂંટણીમાં તેમણે આંધ્રપ્રદેશની નંદયાલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમણે 5,80,297 મતની માર્જિનથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપના બાંગારુ લક્ષ્મણને ફક્ત 45,944 મત મળ્યા હતા. આ પેટા-ચૂંટણીમાં પીવી નરસિમ્હા રાવને કુલ 6,26,241 મત મળ્યા હતા.
સૌથી મોટી જીતમાં ચોથા નંબરે પીએમ નરેન્દ્ર મોદી આવે છે. 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે વડોદરા બેઠક પરથી કોંગ્રેસના મધૂસુદન મિસ્ત્રીને હાર આપી હતી. આ ચૂંટણીમાં મોદીને કુલ 8,45,464 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મધૂસુદન મિસ્ત્રીને 2,75,336 લાખ મત મળ્યા હતા. મોદીએ 5,70,128 મતથી કોંગ્રેસના ઉમેદવારના પરાસ્ત કર્યા હતા.
પાંચમાં નંબર જનરલ વી.કે. સિંઘ આવે છે. ગત ચૂંટણીમાં એટલે કે 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરત તેમણે 5,67,260 મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર તેમની સામે બોલિવૂડ અભિનેતા રાજ બબ્બર કોંગ્રેસની ટિકિટ પરથી ઉભા રહ્યા હતા. વી.કે. સિંઘને આ ચૂંટણીમાં 7,58,482 મત જ્યારે રાજ બબ્બરને 1,91,222 મત મળ્યા હતા.