જનક જાગીરદાર, ખેડા: આઇપીએલ 2022 ઓક્શન (IPL 2022 Auction) માં ગુજરાતી ખેલાડીઓ (Gujarati players in IPL 2022) આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે. બેંગ્લુરુમાં યોજાઇ રહેલા ઓક્શનમાં ખેડાના નડિયાદનો રિપ્પલ પટેલ (Ripal Patel) પણ ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમની પસંદ બન્યો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ પર ટીમ દ્વારા ફરી એકવાર પોતાની સાથે લીધો છે. જેના કારણે તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
રિપ્પલ પટેલે સ્થાનિક ખેડા જીલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી રમતની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેને 2018માં ડીવાય પાટીલ T20માં નેશનલ સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળી હતી. ઉપરાંત વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેણે ગુજરાત તરફથી હિસ્સો લીધો હતો. જેમાં તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ પણ ઘણો ઉંચો રહ્યો હતો.
નડિયાદનો રિપ્પલ પટેલ આઇપીએલમાં 2 મેચ રમ્યો છે અને જેમાં તેણે 25 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 બાઉન્ડરી લગાવી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 92.6 નો રહ્યો છે. જ્યારે બોલિંગમાં તેણે 3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી શકી નહોતી. તે લિસ્ટ એ 14 મેચ રમી છે અને જેમાં તેણે 13 ઇનીગમાં 185 રન કર્યા હતા. જ્યારે T20 ફોર્મેટની 19 ઘરેલુ મેચ રમીને 16 ઇનીંગમાં 299 રન નોંધાવ્યા છે. જેમાં તેની એવરેજ 29.9ની રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 154.9ની રહી છે.