ન્યૂઝ18 ગુજરાતી : આગામી દિવસોમાં હવે તમે ગુજરાતના 20 રેલવે સ્ટેશન પર જશો તો તમને ફક્ત 'રેલ નીર' જ મળશે, અથવા રેલવે સ્ટેશન પર લાગેલા પાણીના સ્ટેશન પરથી મળતું પાણી મળશે. આ રેલવે સ્ટેશનોમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. એટલે કે અમદાવાદ સહિત ગુજરાતના 20 જેટલા રેલવે સ્ટેશનો પર અન્ય બ્રાન્ડનું પાણી નહીં મળે. IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) તરફથી આગામી દિવસોમાં દેશના 22 રેલવે સ્ટેશન પર આ પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે, જેમાં ગુજરાતના 20 અને રાજસ્થાનના બે રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
અન્ય બ્રાન્ડની બોટલ નહીં મળે : આગામી દિવસોમાં અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો પર અન્ય બ્રાન્ડની પાણીની બોટલો નહીં વેચી શકાય. રેલવે તરફથી ફાળવવામાં આવેલા સ્ટોરમાં હવે ફક્ત 'રેલ નીર'ની જ બોટલ રાખવી ફરજિયાત કરાશે. જો કોઈ સ્ટોર અન્ય બ્રાન્ડનું પાણી વેચશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં એ વાત નોંધવી રહી કે ગ્રાહકો જો અન્ય બ્રાન્ડની બોટલના પાણીનો આગ્રહ રાખશે તો તેવા કેસમાં તકરાર ઉભી થવાની પણ સંભાવના રહેલી છે.
ક્યા સ્ટેશન પર ફક્ત 'રેલ નીર' જ મળશે? : ગુજરાતમાં અમદાવાદ, વીરમગામ, ગાંધીનગર, મણીનગર, સાબરમતી, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, ઓખા, આણંદ, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર અને દાહોદ રેલવે સ્ટેશન પર 'રેલ નીર' મળશે. જ્યારે રાજસ્થાનના આબુરોડ અને ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પર આગામી દિવસોમાં ફક્ત 'રેલ નીર' જ મળશે.