સંજય ટાંક,અમદાવાદ: દિવાળીનો (Diwali) તહેવાર નજીક આવતા શહેરમાં ઠેરઠેર ફટકડાનું (firecracker sale) વેચાણ શરૂ થઈ ગયું છે. બિલાડીના ટોપની જેમ ફટાકડાના વેપારીઓ ફૂટી નીકળ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદમાં ફટકડાનું ગેરકાયદે વેચાણ (illegal sale of firecrackers) થઇ રહ્યુ છે. અમદાવાદમાં (Ahmedabad) માત્ર 150 વેપારીઓને જ ફાયર NOC મળી છે જ્યારે શહેરમાં ફટાકડાના વેચાણ માટે હજારોની સંખ્યામાં વેપારીઓએ પંડાલ નાખ્યા છે. ત્યારે ફાયર NOC (fire NOC) વગર થતું ફટકડાનું વેચાણ ગેરકાયદે હોવાનો ઘટસ્ફોટ ફાયર વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ આવા ગેરકાયદે વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઊંઘી રહ્યું છે. આવા વેપારીઓ સામે કોણ કાર્યવાહી કરશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.
દિવાળીના તહેવારમાં આગ અકસ્માતની ઘટનામાં 30 ટકાનો વધારો થઈ જાય છે. મોટા ભાગે આગની ઘટના ફટાકડાના કારણે થતી હોય છે. ફટાકડાનું વેચાણ કરવા માટે અમદાવાદ ફાયર વિભાગમાંથી NOC લેવી ફરજીયાત છે. અમદાવાદ ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગ સંયુક્ત રીતે મોનીટરીંગ કરીને NOC આપતું હોય છે. પરંતુ તેમ છતાં ફટાકડાના વેપારીઓ NOC વગર જ ફટકડાનો વેપાર શરૂ કરી દે છે.
અમદાવાદમાં આવા 1 હજારથી વધુ લોકોએ ફટકડાનું ગેરકાયદે વેચાણ શરૂ કરી દીધું છે. સવાલ એ છે કે, આવા લોકો સામે કાર્યવાહી કરશે કોણ. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ જણાવે છે કે, કુલ 170 વેપારીઓને ફટાકડાના વેચાણ માટે NOC આપી છે. બાકી બીજા 85 વેપારીઓ માટે પ્રક્રિયા ચાલુ છે. પરંતુ એ સિવાય તમામ ફટાકડાના વેચાણ કરતા લોકો ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે.
મહત્વનું છે કે શહેરમાં NOC વગર વેપારીઓ દારૂખાનું નું જાહેરમાં વેચાણ કરી રહ્યા છે. દિવાળીમાં રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી કરતું એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક ને હળવો કરતું પોલીસ તંત્રને શુ આ ગેરકાયદે ફટાકડાનું વેચાણ ધ્યાને નહિ આવતું હોય. જો આગ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે.