પ્રણવ પટેલ, વડોદરા: પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી (last darshan of Hariprasad Swamiji) મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તા. ૩૧ સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. તા. ૧ ઓગસ્ટે બપોરે ૨.૦૦ કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ (last ritual) થશે.
પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યા અનુસાર, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે. હરિધામ મંદિરમાં નીચેના ફ્લોર ઉપર જ્ઞાનયજ્ઞ દેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને પધરાવવામાં આવ્યા છે. દરરોજ બપોરે સાડાત્રણ કલાકે પ.પૂ. સ્વામીજી ત્યાં ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરવા પધારતા. દેશ-વિદેશની ધર્મયાત્રા માટે હરિધામથી નીકળતાં પહેલાં જ્ઞાનયજ્ઞ દેરીએ અને ઉપરના મજલે ઠાકોરજીનાં દર્શન-પ્રાર્થના કરવાનું ચુકતા નહીં. તે જ રીતે પરત પધારે ત્યારે પણ દર્શન-પ્રાર્થના કર્યા પછી જ વિશ્રામ માટે પધારતા. નાદુરસ્ત સ્વાસ્થ્ય હોય તો પણ ગુરૂ પરંપરાને દંડવત પ્રણામ કરવાનો તેઓ આગ્રહ રાખતા. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક લીમડાનું વૃક્ષ પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય રહ્યું છે.
પરમ પૂજ્ય સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે. અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે. અંત્યેષ્ટિ સંસ્કાર માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી ખોદકામ કરતાં પહેલાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય દાસ સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એ પછી તત્કાળ ખોદકામ કરીને ફાઉન્ડેશન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દરમિયાનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરેલા વિડીયો સંદેશમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજને ભાવાંજલી અર્પણ કરતાં જણાવ્યું છે કે, હરિધામ – સોખડાના માધ્યમથી આધ્યાત્મિકતાની સાથેસાથે સ્વામીજીએ વ્યસનમુક્તિ, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવાં સામાજિક ક્ષેત્રોમાં ઉતરદાયિત્વ નિભાવીને જે યોગદાન દીધું છે તે અવિસ્મરણીય રહેશે. સ્વામીજીએ ‘દાસના દાસ’ બનીને રહોનો ઉપદેશ પોતાનાં જીવનમાં આત્મસાત કરીને લાખો અનુયાયીઓ દ્વારા ઘેરઘેર પહોંચાડીને આત્મીયતાના સેતુનું નિર્માણ કર્યું છે. સ્વામીજી આજે આપણી વચ્ચે ભૌતિકદેહે ઉપસ્થિત નથી પરંતુ દિવ્યરૂપે સદૈવ આશીર્વાદ આપતા રહેશે. માર્ગદર્શન કરતા રહેશે.
પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહના દર્શનાર્થે પહોંચીને શ્રધ્ધાંજલિ આપનારા સંતોમાં બી.એ.પી.એસ.ના ભાગ્યસેતુ સ્વામી, રૂસ્તમબાગ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, તેમજ મહાનુભાવોમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના મંત્રીઓ સૌરભભાઈ પટેલ, જયદ્રથસિંહ પરમાર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજકોટ જિલ્લા પંચાયત ભૂપતભાઇ બોદર, વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જાણીતા ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી મહેશભાઇ સવાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયા, પ્રદેશ ભાજપ અગ્રણી ભરતભાઇ પંડયા વગેરેનો સમાવેશ થાય છે.