અમદાવાદઃ ઉપવાસના 13માં દિવસે હાર્દિક પટેલની તબિયત વધારે લથડી છે. સતત ઉપવાસને કારણે હાર્દિકની તબિયત એટલી લથડી છે કે હવે તેને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડી રહી છે. ગુરુવારે સામે આવેલા રિપોર્ટ પ્રમાણે હાર્દિકને ઉપવાસ છાવણીમાંથી વ્હીલચેર પર બેસાડીને બહાર લાવવામાં આવ્યો હતો. હાર્દિકને ઉભા થવામાં પણ મિત્રોની મદદની જરૂર પડી હતી. સતત ઉપવાસને કારણે 12 દિવસમાં હાર્દિક પટેલનું વજન 12 કિલોગ્રામ ઘટી ગયું છે.
હાર્દિકે જળત્યાગની આપી ચીમકીઃ સતત 12 દિવસ સુધી ઉપવાસ બાદ પણ સરકારે હાર્દિક સાથે વાતચીતની પહેલ ન કરતા પાસ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર કોઈ વાતચીત નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે. આ પહેલા પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો પરંતુ અનેક લોકોની સમજાવટ બાદ હાર્દિક પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પી લીધું હતું.
20 કિલોગ્રામ વજન ઘટ્યાના અહેવાલ વહેતા થયા હતા : હાર્દિકના ઉપવાસના 11માં દિવસે હાર્દિકના વજનને લઇને ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. 11 દિવસોમાં હાર્દિક પટેલનું વજન 20 કિલો ઘટવાની વાતથી જ હાર્દિક અંગે વધારે ચિંતાઓ પ્રવર્તિ રહી હતી. જોકે, આ અંગે એક પ્રશ્ન એ પણ થાય કે શું ખરેખર 11 દિવસમાં કોઇપણ વ્યક્તિનું વજન 20 કિલો જેટલું ઘટી શકે ખરા? આ અંગે સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમની પોલંપોલ આજે ખુલી હતી.
ડોક્ટરની ટીમ દ્વારા બુધવારે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે તેનું વજન પણ કરાયું હતું. જેમાં વજન 66 કિલો નોંધાયું હતું. એટલે 12 દિવસમાં હાર્દિકનું વજન 12 કિલો ઘટ્યું છે. જ્યારે મેડિકલ ટીમ દ્વારા મંગળવારે સવારે હાર્દિક પટેલના કરેલા વજન પ્રમાણે તેનું વજન 58.3 કિલો નોધાયું હતું. એટલે કે હાર્દિકના વજન માપવા અંગે ડોક્ટરોની ટીમમાં ભારે બેદરકારી જોવા મળી રહી છે.