અમદાવાદઃ સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો 17મો દિવસ છે. 17માં દિવસે હાર્દિક પટેલને મળવા માટે તેના ઘરે અનેક પાટીદારો આવી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકના પરિવારજનો પણ તેને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. જોકે, પોલીસે અન્ય લોકોની જેમ તેમને પણ ગેટ પર જ અટકાવી દીધા હતા. આ બનાવ સામે આવ્યા બાદ હાર્દિક પટેલ ખુદ ઉપવાસ છાવણીમાંથી બહાર આવ્યો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલના ભાઈ રવિ પટેલને પોલીસે ગેટ પર જ રોકી લીધો હતો. આ વાત હાર્દિકના કાને પડતા તે કારમાં બેસીને ગ્રીનવુડ રિસોર્ટના ગેટ સુધી આવ્યો હતો. આ દરમિયાન હાર્દિકે પોલીસ સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરતા કહ્યું હતું કે મારા પરિવારના લોકો ગમે ત્યારે આવે અને જાય તેમને રોકવા નહીં. હાર્દિક પટેલને ગેટ પર આવેલો જોઈને પોલીકર્મીઓ પણ ખુલાસો આપી રહ્યો હોય તે રીતે એકદમ વિનમ્ર ભાષામાં વાત કરતા દેખાયા હતા.
પોલીસ મારી નાખવાની ધમકી આપ્યોનો આક્ષેપ: શનિવારે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ હાર્દિકે ડીસીપી રાઠોડ પર આક્ષેપ લગાવ્યો હતો કે તેણે મને મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે ફેસબુક પોસ્ટ કરીને હાર્દિકે લખ્યું છે કે, "અમદાવાદનો ડીસીપી રાઠોડ મને કહે છે કે હું તને મારી નાખીશ, હવે જીવતા રહેવાનું અને મારી નાખવાનું કામ પણ યમરાજાએ રાઠોડ જેવા પોલીસ અધિકારીને સોંપી દીધું છે કે શું? ઘરે પહોંચતા જ ફરીથી મારા નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જો તમે અંગ્રેજ સાશન નથી જોયું તો ગુજરાતમાં એકવાર પધારો. મારા નિવાસ્થાને તમને વાઘા બોર્ડર જેવો નજારો જોવા મળશે. સત્તાના નશામાં જનતા પર અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ઉપવાસ આંદોલન કવર કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો છે, તેમના કેમેરા તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે મીડિયાને પણ પોલીસ ધમકી આપવા લાગી છે."