અમદાવાદ: રાજ્યમાં અમુક વિસ્તારોને બાદ કરતા તમામ સ્થળોએ સારો એવો વરસાદ પડ્યો છે. હાલ વરસાદમાં 14% જેટલી ઘટ છે. આ દરમિયાન હવામાન વિભાગે (Weather department) આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી (Gujarat rain forecast) આપી છે. જેમાં 27મી અને 28 સપ્ટેમ્બરના રોજ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનથી ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને આગામી પાંચ દિવસ સુધી પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 81.34 ટકા વરસાદ (Gujarat average rain) પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે.
24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ: 24મી તારીખે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 151 તાલુકામાં થોડો કે વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં 8 ઈંચ પડ્યો છે. કચ્છના અમીરગઢ અને નખત્રાણામાં 4 ઈંચ, ગણદેવી અને ઉમરપાડામાં 3.5 ઈંચ, ચીખલી, વલસાડ, અંજાર અને કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
ઝોન પ્રમાણે અત્યારસુધી પડેલો વરસાદ: (Zone wise rain Gujarat) - કચ્છમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 85.82 ટકા વરસાદ પડ્યો છે. આ સિઝનમાં અહીં કુલ 379.60 મી.મી. વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 65.12 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધી ઉત્તર ગુજરાતમાં સિઝનનો 466.59 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.28 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે અત્યારસુધી વિસ્તારમાં 590.84 મી.મી. વરસાદ પડ્યો છે.
પંચમહાલમાં માછલીઓની મસ્તીનો વીડિયો વાયરલ: તમને જાણ જ હશે કે સામાન્ય રીતે માછલી પાણીની વિરુદ્ધ દીશામાં ચાલે છે. આ દરમિયાન કાલોલની નદીનો અદભૂત વીડિયો સામે આવ્યો છે. જેમાં ચેકડેમ પર માછલીએ જાણે કે મસ્તી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજીત પાંચથી10 ફૂટ ઊંચે માછલીઓ ઉછળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
જામનગર-દ્વારાકામાં વરસાદી માહોલ: જામનગર જિલ્લામાં શુક્રવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લાલપુર પંથકમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હાલ પડી રહેલો વરસાદ મગફળી અને કપાસ સહિતના પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે.