અમદાવાદ : જ્યારથી શિયાળાની (Gujarat winter) શરૂઆત થઇ છે ત્યારથી થોડા થોડા દિવસે રાજ્યના વાતાવરણમાં (Gujarat weather forecast) પલટો આવી રહ્યો છે. ત્યારે ફરીથી વાતાવરણ પલટાવવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 21 અને 22 જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્નસની અસ૨ હેઠળ કમોસમી વ૨સાદ પડી શકે છે. જેના કા૨ણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વરસાદી સીસ્ટમ ઉપરાઉપરી સક્રિય થઈ રહી છે. ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવવાની શરૂઆત કચ્છથી થશે.
જયારે 22મી તારીખે, શનિવારે આ માવઠાંનું હવામાન પૂર્વ તરફ ખસીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની, ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના કારણે માછીમારોને તા. 21, 22 જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
આગાહી પ્રમાણે, આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
<br />નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિના દરમિયાન સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે. જેના કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 20, 21,22 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે. ત્યારે આ વાતાવરણ પલટાને કારણે સામાન્ય માણસ પણ અનેક બીમારીઓમાં સપડાયો છે.