વિભુ પટેલ, અમદાવાદ: વાઇબ્રન્ટ સમિટ 2022ની (Vibrant Summit 2022) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પર વાઇબ્રન્ટ સમિટને લઈ હોર્ડિંગ્સ લગાવી દીધા છે. વાઇબ્રન્ટ સમિટ 2022ના 24 દેશ પાર્ટનર દેશ છે અને તેમના પ્રતિનિધિઓ તેમજ દેશ વિદેશથી વીઆઇપી મહાનુભાવો વાઇબ્રન્ટમાં ઉપસ્થિત રહેશે. જોકે, વાઇબ્રન્ટમાં આવનાર મહાનુભાવો માટે રહેવા જમવા અને વાહનની વ્યવસ્થા એડવાન્સમાં કરી દેવામાં આવી છે. 2022 વાઇબ્રન્ટ સમિટમાં આવનાર મહેમાનો રહેવા માટે ગાંધીનગરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
વાઇબ્રન્ટ સમિટ 2022માં આવનાર આમંત્રિત વીઆઇપી મહેમાનો માટે એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે વીઆઇપી ગાડીઓ દોડાવવામાં આવશે. વિહિકલની વ્યવસ્થા માટે ટેન્ડર કરવામાં આવ્યા હતા.વહિકલની જવાબદારી ખાનગી કંપનીને આપવામાં આવી છે. ખાનગી કંપની દ્વારા વાઇબ્રન્ટ સમિટમાં આવનાર મહેમાનો માટે 470 જેટલી મોંઘીદાટ ગાડીઓ બુક કરી છે.
વાઇબ્રન્ટ સમિટના વીઆઇપી મહેમાનો માટે મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યુ જેવી 100 ગાડીઓનું બુકિંગ કરી દીધું છે. આ સાથે 250 ઇનોવા અને બાકી જનરલ ગાડીઓ સહિત 470 ગાડીઓનું એડવાન્સ બુકીંગ કરી દેવામાં આવ્યુ છે. જોકે, 470 ગાડીઓનું ભાડુ પોણા બે કરોડ રૂપિયા જેટલું થશે. એરપોર્ટ પર વીઆઇપી લોકોનું સ્વાગત કરવામાં આવશે તેમજ એરપોર્ટ પર કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. કંટ્રોલ રૂમમાંથી જેમ સૂચના મળશે તે પ્રમાણે ગાડીઓને દોડાવવમાં આવશે.
470 ગાડીના ડાઈવર ફૂલ વેકસિનેટેડ હશે. ડ્રાઇવરે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. કારને સેનિટાઇઝ કરવામાં આવશે. ત્યાર બાદ મહેમાનોને કારમાં બેસાડવામાં આવશે. મહેમાનને ઉતર્યા બાદ પણ ફરી સેનિટાઇઝ કરવામાં આવશે. એટલે દિવસમાં જેટલી પણ વાર કોઈને બેસાડવામાં આવે તે પહેલા અને ઉતરી ગયા બાદ ગાડીઓને સેનેટાઈઝ કરવામાં આવશે. ગાડીમાં પણ સેનેટાઈઝ અને માસ્ક રાખવામાં આવશે. તેમજ સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.