અમદાવાદ : હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ (Gujarat monsoon 2022) જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat weather update) આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની (Gujarat rainfall data) આગાહી કરવામાં આવી છે. આ સાથે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે, 24 જૂનથી 30 જુલાઇ સુધી સાંબેલાધાર વરસાદ થશે. આ દરમિયાન સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
સોમવારે રાજ્યમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 9.92 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે આખા વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. વલસાડના જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં સોમવારે દિવસભર ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર અને કેટલીક જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આવી જ રીતે વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વાપી વલસાડ અને પારડી તાલુકામાં સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું.
આ સાથે વરસાદને કારણે વાપી શહેરના રેલવે અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એવી જ રીતે વલસાડ શહેરના અબ્રામા અને છીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ દિવસભર આજે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, વાવણીલાયક વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી.
રાજ્યમાં સોમવારે વરસાદના આંકડા તપાસીએ તો, રાજ્યના કુલ 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે વલસાડમાં 4.56 ઇંચ, વાપીમાં 3.76 ઇંચ, નર્મદના ગરુડેશ્વરમાં 3.6 ઇંચ, વલસાડના પારડીમાં 3.2 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 2.84 ઇંચ, જ્યારે કપરાડામાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે બોટાદના બરવાળા, નવસારીના ખેરગામમાં 50 એમએમથી વધુ વરસાદ નોંધાયો હતો.
બીજી બાજુ અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો એ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 27 જૂન બાદ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે સામાન્ય ઝાપટાં પડી શકે છે. 24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે ખાનગી સંસ્થાના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં 23 જૂનની બપોર બાદ મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 27મી જૂન બાદ ચોમાસું બરાબર જામે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે.