અમદાવાદ: શનિવારે અમદાવાદમાં (rainfall in Ahmedabad) ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેની સાથે દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારમાં વરસાદ (rain in Gujarat) નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ (Gujarat farmer) રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગના (Gujarat weather forecast) જણાવ્યા પ્રમાણે, આજથી એટલે રવિવારથી ધીરે ધીરે હવામાન સુકૂં થવા લાગશે. જેની શરૂઆત કચ્છથી થશે. જ્યાં સુકા પવનો ફૂંકાવવા લાગશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પાંચમી તારીખથી પશ્ચિમી અને ઉત્તરપશ્ચિમી પવનો સ્થાપિત થશે. આ પવનો એન્ટી સાયક્લોનિક દિશાના રહેશે જેના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગી શકે છે. જેનાથી છઠ્ઠી તારીખની આસપાસથી ગુજરાત સહિત દેશના પશ્ચિમ, ઉત્તરના ભાગોમાંથી ઝડપથી ચોમાસુ વિદાય લેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ છે કે, ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લેશે. વિદાયના ચિન્હો તરીકે હાલમાં ચોક્કસ પ્રકારના જીવો આકાશમાં ઉડી રહ્યાં છે. જે ચોમાસાની વિદાયના સંકેત બતાવે છે. સામાન્ય રીતે જ્યાં વરસાદ મંડાય છે ત્યાં જ ખલાસ થાય છે. જ્યાંથી વાદળા થયા હતા ત્યાં જ અલોપ થઈ જાય. પાણી સામાન્ય રીતે ઓસરવા માંડે. રાત્રિના પહેલા પ્રહર સુધી વરસાદનું જોર સામાન્ય રહે. મેઘરવો આવતો બંધ પડે. જે સુરીયા પવને વરસાદ આવતો તે જ પવનથી ઝાકળ આવવા માંડે. આ બધા ચોમાસું વિદાય લેવાના ચિન્હો છે. જ્યાં સુધી પૂર્વનો પવન ચોખ્ખો ન થાય ત્યાં સુધી થોડા ઘણા વરસાદી ઝાપટાંની શક્યતા રહેતી હોય છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહના અંતમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા રહેશે.
આ વર્ષે જુલાઇ અને ઓગસ્ટ કોરા જેવા જ રહ્યા છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ રાજ્યમાં પાણી પાણી કરી દીધું છે. ગુજરાતમાં 81 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે ગુજરાતના મોટા 18 ડેમમાંથી 5 ડેમ કડાણા, શેત્રુંજી, સુખી, ઉંડ-1 અને મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ સાથે જ 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 8 ડેમ એલર્ટ અને 8 ડેમ વોર્નિંગ લેવલ પર છે