અમદાવાદ : ગુજરાતમાં (Gujarat weather) હોળી પહેલા જ કાળઝાળ ગરમી (heat wave in Gujarat) માટે તૈયાર થઇ જાવ. રાજ્યમાં ગરમીની શરૂઆત વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રવિ અને સોમવાર માટે 'ઓરેન્જ' (orange alert in Gujarat) જ્યારે મંગળ અને બુધવાર માટે 'યલો' એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડીગ્રી પહોંચશે. કચ્છમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત આકરા તાપથી થઈ રહી છે.રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ તો પહોંચ્યું છે. માર્ચ મહિનાના અંતથી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે મહિનાની શરૂઆતમાં જ ગરમી પડી રહી છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ગુજરાતના ઉત્તર પૂર્વના પવન ફૂંકાતાની સાથે જ કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે થી ચાર ડિગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ , પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.
આ સાથે રાજ્યના દીવ, દમણ, દાદરા અને નગર-હવેલી માટે આગામી ચાર દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. હવામાન વિભાગ અનુસાર, આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે. 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડીગ્રી ગરમીનો અનુભવ પણ થઇ શકે છે.
શનિવારે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધુ રહ્યો હતો. આ સાથે રાજ્યના મોટા શહેરોમાં પણ ગરમીનો પારો ઉંચકાયો હતો. ભાવનગરમાં 36.3, વડોદરામાં 36.8, ગાંધીનગરમાં 37, ડીસા-પોરબંદરમાં 37.6, અમરેલીમાં 38, સુરત-દાદરા નગર હવેલીમાં 38.2, જુનાગઢમાં 38.5, કંડલા-નલિયામાં 38.6, રાજકોટ અને ભૂજમાં 38.9 ડિગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો.