જયેશ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યમાં ચોમાસું (Gujarat Monsoon 2021) જામતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. તળિયા જાટક થયેલા ડેમ છલોછલ થયા છે. સૌરાષ્ટ્રના 14 ડેમ 100% ભરાયા છે. જેના પગલે રાજ્યના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં પાછલા એક અઠવાડીયાથી મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. વરસાદ ખેંચાતા તળિયા જાટક થયેલા ડેમમાં નવા નીર આવ્યા છે. સારા વરસાદને પગલે ખેડૂતોને સિંચાઇની સમસ્યા પણ ઉકેલાશે તેવું લાગી રહ્યું છે. રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ (Gujarat dams water level)ની વાત કરીએ તો સરદાર સરોવર (Sardar sarovar dam) સહિત રાજ્યમાં 207 ડેમ આવેલા છે. આજની સ્થિતિ પ્રમાણે આ જળાશયોમાં કેટલું પાણી છે તેના પર એક વિશેષ અહેવાલ જોઈએ.
રાજ્યમાં હાલ 14 ડેમ એવા છે જે છલોછલ થઇ ગયા છે. રાજ્યમાં સાત ડેમ એવા છે જેમાં 80થી 99% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. 17 ડેમમાં 70થી 79% પાણી છે. જ્યારે 168 ડેમમાં 70% ટકાથી ઓછું પાણી છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ખેડૂતોની આશાઓ જીવંત થઇ છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ.
ઉત્તર ગુજરાતમાં 15 જેટલા ડેમમાં સરેરાશ 23.61 ટકા પાણી ભરેલું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં સરેરાશ 44.67 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં સરેરાશ 78.50 ટકા પાણી ભરેલું છે. હવામાન વિભાગે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. કચ્છના 20 ડેમમાં સરેરાશ 23.26 ટકા પાણી ભરેલું છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં સરેરાશ 46.01 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. આ રીતે રાજ્યના કુલ 206 ડેમમાં સરેરાશ 60.34 ટકા પાણી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 50.48 ટકા પાણી ભરેલું છે.
રાજ્યમાં હાઇ એલર્ટ પર રહેલા ડેમ: અમરેલીનો ધાતરવડી, બોટાદનો ખંભાડા, રાજકોટનો વેરી, ભાવનગરનો ખારો, તાપીનો દસવાડા, દેવભૂમિ-દ્વારકાનો કાબરકા, અમરેલીનો સૂરજવાડી, અમરેલીનો ધાતરવાડી-2, ભાવનગરનો શેત્રુંજી, જૂનાગઢનો બાંટવા-ખારો, રાજકોટનો આજી-2, અમરેલીનો ખોડિયાર, ગીર-સોમનાથનો રાવલ, મોરબીનો મચ્છુ-2 ડેમ હાલ હાઇએલોર્ટ પર છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના 88 ડેમમાંથી 60 હજાર હેક્ટર જમીનને સિંચાઈ મળશે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાંથી 15 હજાર હેક્ટર વિસ્તારને પાણી અપાશે. પાનમ ડેમમાંથી 2.10 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી અપાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 2 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. જોકે, આ બધાનો સરવાળો કરીએ તો માંડ 5થી 6 લાખ હેક્ટર જમીન થાય છે. તેની સામે વાવેતર વિસ્તાર 75 લાખ હેક્ટરથી વધુ છે. એવામાં જગતના તાતની મુશ્કેલીઓનું સમાધાન માત્ર મેઘરાજા જ છે. (તસવીર: સરદાર સરોવર ડેમ)