રાજેશ જોષી, ગોધરા- જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક પણ કહીં શકાય !! આવી જ એક દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના પંચમહાલ (Panchmahal) જિલ્લામાં બની છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં લગ્ન દિવસે જાનના આગમન પૂર્વે જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ અવસાન (Daughter Death) થઇ ગયુ હતું જેને કારણે સમગ્ર સોલંકી પરિવાર અને ગામ-સમાજમાં શોકની કાલિમા છવાઈ છે. ત્યારે અહીં કોણ જાણી શકે કાળને રે... જેવી પંક્તિઓ સત્ય સાબિત થતી જોવા મળી છે.
ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં રહેતાં ચન્દ્રસિંહ સોલંકીના દીકરી વંદના કુંવરબાના લગ્ન વડદલા ગામના દેવેન્દ્રસિંહ સાથે ગોઠવાયા હતા. 23 તારીખના દિવસે બપોરે ત્રણ વાગ્યે વંદના કુંવરબા પ્રભુતામાં પગલાં પાડવાની હતી. આ લગ્ન પ્રસંગ નિમિતે સામાજિક રિતિ રિવાજ મુજબ ગણેશ સ્થાપના ,ગ્રહ શાંતિ સહિતની તમામ વિધી 21 અને 22 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી.
આ દરમિયાન અચાનક જ વંદના કુંવરબાને ચક્કર આવી પડી ગયા હતાં જેને કારણે સ્વજનોમાં દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક વંદનાને સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબે વંદનાને તપાસ કરી જણાવ્યું કે, તેણીનું બ્લડ પ્રેશર ઓછું થવાથી અવસાન થયુ છે. આ જાણતા જ સ્વજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી
આખરે વંદનાના પિતા-ભાઈ સહિતે ભારે હૈયે વંદનાની અર્થીને કાંધ આપી હતી દરમિયાન આખું ગામ હીબકે ચડ્યું હતું. પરિવાર સાથેનું ઋણાનુબંધન પુરૂ કરી ફાની દુનિયાને અલવિદા કરી ઈશ્વરના ખોળે જઈ રહેલી વંદનાના માટે સ્વજનો પાસે હવે માત્ર એક જ વસ્તુ તેની યાદના સંસ્મરણો જ અને જીવનભર ન ભૂલી શકાય એવો વસવસો જ કાયમી સંભારણું બની ગયો છે.