ગાંધીનગર: પેથાપુરમાં ગૌશાળામાંથી (baby abandoned from Pethapur gaushala) મળી આવેલા બાળકને હવે દત્તક (Adoption process) લઈ શકાશે. બાળકના હત્યારા પિતા સચીન દીક્ષિતે (Sachin Dixit) બાળકને દત્તક આપવાની મંજૂરી આપી દીધી છે. ગાંધીનગરના (Gandhinagar) પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ (Jagruti Pandya) આપી હતી. (સચિન દિક્ષિત અને મહેંદી પેથાણીની ફાઇલ તસવીર)
આરોપી પિતા સચિને બાળકને સરેન્ડર કરતા હવે તેને નવો પરિવાર મળશે. આ અંગે જાગૃતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પેથાપુરમાંથી મળી આવેલા બાળકને દત્તક આપવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે. પિતા સચિન દીક્ષિતે બાળકને તેની માતાના સંબંધીઓને સોંપવાની ના પાડી છે. તેણે બાળકને સરેન્ડર કર્યું છે અને તેથી હવે બાળકને દત્તક લઈ શકાશે.
આ મામલે બાદમાં જે ખુલાસો થયો હતો જેના કારણે આ કેસ વધારે ચર્ચાસ્પદ બની ગયો હતો. હકીકતમાં તેના પિતા સચિને પહેલા વડોદરામાં બાળકની માતાની હત્યા કરી દીધી હતી અને બાળકને લઈને ગાંધીનગર આવ્યો હતો. નોંધનીય છે કે, સચિન અને બાળકની માતા હીના ઉર્ફે મહેંદી લિવઇનમાં રહેતા હતા. સચિને પહેલા માતાની હત્યા કરીને બાળકને પેથાપુરમાં તરછોડી દીધું હતું અને ત્યાંથી ભાગી ગયો હતો. સચિન પહેલાથી જ પરણેલો હતો અને આ બાળકની માતા સાથે વડોદરામાં રહેતો હતો. બાદમાં બંને વચ્ચે ઝઘડા થયા હતા જેના કારણે તેણે હીનાની હત્યા કરી દીધી હતી. જે બાદ તેણે હીનાની લાશ એક સૂટકેસમાં ભરીને વડોદરાના ઘરના રસોડામાં મૂકી દીધી હતી.