ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે એ અંગે હાર્દિક પટેલ 25 ઓગસ્ટ 2018થી ઉપવાસ ઉપર બેઠો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે 13મો દિવસ છે. 13માં દિવસે હાર્દિક પટેલની તબિયત બગડી રહી છે. તો પાટીદાર રાજકીય નેતાઓ હાર્દિક પટેલને મળવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ હાર્દિકને મળવા આવી રહ્યા છે. આજે ગુરુવારે કોંગ્રેસ સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા હતા. હાર્દિક પટેલની માંગણીઓ વ્યાજબી છે. તેના નિકાકરણ માટે 13 દિવસ ન થવા જોઇએ એવું દિનશા પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત દિનશા પટેલે હાર્દિકની તમામ માંગો સાથે સહમતી દર્શાવી હતી. (મયુર માકડિયા, અમદાવાદ)
ત્યારબાદ દિનશા પટેલે નિવેદન આપ્યું હતું કે, " હું હાર્દિક પટેલની માંગણીઓ સાથે સહમત છું, પટેલ સમાજ હોય કે પછી અન્ય કોઇ સમાજ હોય. જ્યારે નીતિમત્તા સાથેની માગણીઓ હોય ત્યારે હંમેશા નિષ્ટાપૂર્વક વિચાર કરવો જોઇએ. નિષ્ઠા પૂર્વક વિચારણા થાય તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. એટલે સૌએ વિચારવું જોઇએ અને સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આમા કોઇ એકલા પટેલ સમાજનો વિચાર નથી પરંતુ સમગ્ર સમજાના નબળા વર્ગના લોકો છે એ તમામ લોકો માટે વિચારવું આજે જરૂરી બની ગયું છે. એનું કારણ એટલું જ છે કે, બધી જ દિશામાંથી પ્રજા પીસાઇ રહી છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મોંધવારીનો પ્રશ્ન જુઓ કે પછી ખેડૂતોના દેવાના પ્રશ્ન કરીએ, વિદ્યાર્થીઓની ફીનો વિચાર કરીએ. નોકરી માટેનો વિચાર કરીએ, આરોગ્યનો વિચારી. હું જ્યારે કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રાલયમા મંત્રી હતો ત્યારે પેટ્રોલમાં એક રૂપિયો વધ્યો ત્યારે આ લોકો મને જુતાનો હાર પહેરાવા આવ્યા હતા જોકે, આજે પેટ્રોલના ભાવ એટલા વધે છે કે, તેમને જાતે જ જુતાનો હાર પહેરી લેવો જોઇએ. "
ઉપવાસના 13માં દિવસે હાર્દિક પટેલની તબિયત વધારે લથડી છે. સતત ઉપવાસને કારણે હાર્દિકની તબિયત એટલી લથડી છે કે હવે તેને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડી રહી છે. ગુરુવારે સામે આવેલા રિપોર્ટ પ્રમાણે હાર્દિકને ઉપવાસ છાવણીમાંથી વ્હીલચેર પર બેસાડીને બહાર લાવવામાં આવ્યો હતો. હાર્દિકને ઉભા થવામાં પણ મિત્રોની મદદની જરૂર પડી હતી. સતત ઉપવાસને કારણે 12 દિવસમાં હાર્દિક પટેલનું વજન 12 કિલોગ્રામ ઘટી ગયું છે.
હાર્દિકે જળત્યાગની આપી ચીમકી: સતત 12 દિવસ સુધી ઉપવાસ બાદ પણ સરકારે હાર્દિક સાથે વાતચીતની પહેલ ન કરતા પાસ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર કોઈ વાતચીત નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે. આ પહેલા પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો પરંતુ અનેક લોકોની સમજાવટ બાદ હાર્દિક પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પી લીધું હતું. હાર્દિકે જળત્યાગની આપી ચીમકીઃ સતત 12 દિવસ સુધી ઉપવાસ બાદ પણ સરકારે હાર્દિક સાથે વાતચીતની પહેલ ન કરતા પાસ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર કોઈ વાતચીત નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે. આ પહેલા પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો પરંતુ અનેક લોકોની સમજાવટ બાદ હાર્દિક પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પી લીધું હતું.