અમદાવાદઃ વધુ એક યુવતીને અલગ અલગ રીતે બ્લેકમેઇલ કરીને પૈસા પડાવ્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં મણીનગરના યુવકે કેનેડામાં રહેતી પૂર્વ પ્રેમિકાને ન્યૂડ ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ધમકી આપીને 1014 જેટલા કેનેડિયન ડોલર પડાવી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (સ્ટોરીઃ દીપક સોલંકી, અમદાવાદ)
યુવતીએ કેનેડા જતા પહેલા સંબંધો કર્યા હતા પૂરા - આ અંગે યુવતીની માતાની ફરિયાદ પ્રમાણે તેની 21 વર્ષની દીકરી દોઢ વર્ષ પહેલા મણીનગરના મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા આદિશ કમલેશ જરોદિયા સાથે સંપર્કમાં આવી હતી. જોકે, ચાર મહિના પહેલા દીકરીએ કેનેડા જવાનું હોવાથી તેણે તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. હાલ યુવતી કેનેડાના ટોરન્ટોની એક કોલેજમાં અભ્યાસ કરે છે.
બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યા - ફરિયાદ પ્રમાણે યુવતી કેનેડા ગયા બાદ યુવકે તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર મૂકીને બદનામ કરી દેવાની ધમકી આપીને તા. 18-04-2017ના રોજ 1014 જેટલા કેનેડિયન ડોલર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. યુવક બ્લેકમેઇલ કરવાની સાથે સાથે યુવતીને જીવથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. યુવકે યુવતીને ધમકીભર્યા ઇ-મેલ પણ કર્યા છે.
માતાએ પૂછપરછ કરતા પૈસા પડાવ્યાનો થયો ખુલાસો - યુવતીની માતાની ફરિયાદ પ્રમાણે મણીનગરનો યુવક તેની દીકરીને પરેશાન કરતો હોવાની જાણ થયા બાદ યુવકને સમજાવવા માટે તેના ઘરે બોલાવ્યો હતો. આ સમયે તે દારૂપીને ઘરે આવી પહોંચતા પોલીસને કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જોકે, એ સમયે તે ભાગી ગયો હતો. બાદમાં આ અંગેની અરજી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે યુવકની ધરપકડ કરી લીધી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ દરમિયાન માતાએ શાંતિથી દીકરીની પૂછપરછ કરતા તેણે ધમકી ઉપરાંત પૈસા પણ પડાવી લીધાનો ખુલાસો થયો હતો.