અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ અને ટ્રાફિક હટાવની ઝુંબેશ સોમવારે પણ ચાલુ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે બંને વિભાગો તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં મેગા ટ્રાફિક અને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આશરે પાંચ કિલોમીટર જેટલા વિસ્તારમાં આ ડ્રાઇવ યોજવામાં આવી છે. તો અસારવામાં બીજેપીના ધારાસભ્યની ઓફિસ બહાર કરવામાં આવેલું દબાણ પણ હટાવી દેવામાં આવ્યું છે. (દીપક સોલંકી, અમદાવાદ)
મેઘાણીનગર પોલીસ મથક વિસ્તારમાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં આજે 120થી વધારે પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓ જોડાયા છે. ટ્રાફિક ડ્રાઇવ વખતે ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું હતું કે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા એફએસએલથી રામેશ્વર સુધી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ટ્રાફિક તેમજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડ્રાઇવ દરમિયાન શંકાસ્પદ લાગતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કારમાં લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મો હટાવીને પોલીસ કાર માલિકને દંડ ફટકારી રહી છે. સરકારી ગાડીઓ પરથી પણ બ્લેક ફિલ્મો દૂર કરવામાં આવી રહી છે. જો વાહનમાંથી કોઈ પ્રોહિબિશન હેઠળની વસ્તુઓ મળે છે તો તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવે છે.